તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 6th May 2025
કુપવાડામાં સેનાના વાહનનો ભયાનક અકસ્માત : ખીણમાં ખાબકતા બે જવાન શહીદ : બે ગંભીર રીતે ઘાયલ
નિયંત્રણ રેખા નજીક કરનાહના ટીટવાલ વિસ્તારમાં સર્જાયી દુર્ઘટના : વાહન બેકાબૂ બનતા ખીણમાં પડ્યું : ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ખસેડાયા : દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ

કુપવાડા (જમ્મુ-કાશ્મીર) : જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. કરનાહના ટીટવાલ વિસ્તારમાં રેયાલા મુરચાના રોડ પર સેનાનું એક વાહન અચાનક બેકાબૂ બનીને ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ભારતીય સેનાના બે બહાદુર જવાનોએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે, જ્યારે અન્ય બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સેનાનું વાહન અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં ખીણમાં પડ્યું હતું. જો કે, આ દુર્ઘટના કયા ચોક્કસ કારણોસર બની તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હાલમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ગંભીર દુર્ઘટનાના કારણોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ દુઃખદ ઘટનાના બે-ત્રણ દિવસ પહેલાં જ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં પણ આવો જ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. રામબનમાં સેનાનો એક ટ્રક ખીણમાં ખાબક્યો હતો, જેમાં ત્રણ જવાનોએ શહીદી વહોરી હતી. આ ટૂંકા ગાળામાં સેનાના વાહન સાથે થયેલી બીજી મોટી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શહીદ થયેલા જવાનોના પરિવારજનો અને સાથી જવાનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. સેના દ્વારા શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
