News of Tuesday, 6th May 2025
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ : મહારાષ્ટ્ર મેડલ ટેલીમાં ટોચ પર, રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે
મહારાષ્ટ્રએ ૬ સુવર્ણ સહિત કુલ ૧૯ મેડલ જીત્યા : તીરંદાજીમાં શાનદાર પ્રદર્શનથી વધુ મેડલની આશા

પટના: ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ૬ સુવર્ણ ચંદ્રકો અને કુલ ૧૯ મેડલ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાજસ્થાનની ટીમ ૬ સુવર્ણ, ૧ રજત અને ૧ કાંસ્ય ચંદ્રક સાથે બીજા ક્રમે છે, જ્યારે કર્ણાટકે ૫ સુવર્ણ સહિત કુલ ૧૮ મેડલ જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
તીરંદાજીના વિવિધ વિભાગોમાં મહારાષ્ટ્રના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આવતીકાલે યોજાનારી રીકર્વ અને કમ્પાઉન્ડની સિંગલ, ડબલ અને મિક્સ્ડ જેવી વિવિધ સ્પર્ધાઓની ફાઇનલ મેચોમાં મેડલની આશા જન્માવી છે.
ફૂટબોલમાં આજે સાંજે બારાઉની રિફાઇનરી સ્ટેડિયમ ખાતે રમાયેલી એક રોમાંચક મેચમાં ઝારખંડના છોકરાઓએ દિલ્હીને ૧-૦થી હરાવ્યું હતું. બેગુસરાઈ ખાતે રમાયેલી એકતરફી મેચમાં મિઝોરમની ટીમે બિહારને ૬-૧થી કારમી હાર આપી હતી.
તીરંદાજીની રીકર્વ કેટેગરીની મિક્સ્ડ ડબલ્સમાં મહારાષ્ટ્રના ધાયનેશ ચિનાલે અને શર્વરી શેંડેની જોડીએ આંધ્રપ્રદેશને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યાં તેમનો મુકાબલો સુવર્ણ ચંદ્રક માટે હરિયાણા સાથે થશે. માનવ ગણેશ જાધવ અને તેજલ સાલ્વેની જોડીએ કમ્પાઉન્ડ મિક્સ્ડ કેટેગરીમાં પણ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. તીરંદાજીની તમામ ફાઇનલ મેચો ભગલપુર ખાતે સેન્ડીના મેદાન પર રમાશે.
બિહારની છોકરીઓએ સાયકલિંગની બે ઇવેન્ટમાં મેડલ જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. સુહાની કુમારીએ સ્ક્રેચ રેસની વ્યક્તિગત કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો. ટીમ સ્પ્રિન્ટ કેટેગરીમાં સુહાની કુમારી, શાલિની અને અમૃતાની ત્રિપુટીએ બીજો રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો, જેના કારણે બિહાર મેડલ ટેલીમાં ૧૧મા ક્રમે છે. ગટકા, કબડ્ડી અને વોલીબોલની વિવિધ સ્થળોએ રમાયેલી મેચોમાં પણ ભારે રસાકસી જોવા મળી હતી.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
