News of Tuesday, 6th May 2025
ગુજરાતમાં આવતીકાલે બ્લેક આઉટ મોકડ્રીલ : સાંજે 7:30થી 8 વાગ્યા સુધી લાઈટો બંધ રાખવાની સૂચના : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવી વિગતો
સાયરન સાથે 18 જિલ્લાઓમાં કવાયત : નાગરિકો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન

ગાંધીનગર : ગુજરાતમાં આવતીકાલે, 7 મે 2025ના રોજ, સાંજે 7:30થી 8:00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના 18 જિલ્લાઓમાં સાયરન વગાડવામાં આવશે અને નાગરિકોને ઘરો તથા ઓફિસોની લાઈટો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
*નાગરિકો માટે મહત્વની સૂચનાઓ*
આવતીકાલે સાંજે 4 વાગ્યે મોકડ્રીલની શરૂઆત સાયરનથી થશે. ત્રણ અલગ-અલગ પ્રકારના સાયરન વાગશે, જે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને ભીડભાડવાળા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યાં સાયરન નથી, ત્યાં તાત્કાલિક સાયરન લગાવવાની સૂચના આપવામાં આવી છે. સાંજે 7:30થી 8:00 દરમિયાન બ્લેક આઉટ દરમિયાન નાગરિકોએ લાઈટો બંધ રાખવી, હરવા-ફરવાનું ટાળવું, લિફ્ટનો ઉપયોગ ન કરવો અને પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવું. જોકે, હોસ્પિટલોને આ મોકડ્રીલમાંથી બાકાત રાખવામાં આવી છે, પરંતુ તેમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ મોકડ્રીલ દરમિયાન ‘રસ્ટ સાયરન’નો ઉપયોગ કરવામાં આવશે, જે યુદ્ધ કે આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં ચેતવણી આપવા માટે વપરાય છે. આ સાયરનનો અવાજ ઉચ્ચ-નીચા કંપન સાથે સાંભળવા મળશે. સાયરન વાગે ત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ ખુલ્લા વિસ્તારોથી દૂર રહી, ઘર કે સુરક્ષિત ઇમારતમાં રહેવું. સરકારી સૂચનાઓ અને ટીવી-રેડિયોની માહિતી પર ધ્યાન આપવું અને અફવાઓથી બચવું. સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
