News of Tuesday, 6th May 2025
ન રડાર...ન રેડિયો, ફક્ત અફરાતફરી : અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એર ટ્રાફિક બ્લેકઆઉટ
ગંભીર ટેકનિકલ ખામીના કારણે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ઠપ થતાં અંધાધૂંધી : અનેક ફ્લાઇટ્સ રદ

ન્યૂયોર્ક, તા. ૬ મે: ન્યૂ જર્સી સ્થિત નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ એક ગંભીર ટેકનિકલ ખામીના કારણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમ લગભગ ૯૦ સેકન્ડ સુધી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. આ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલર્સ ન તો વિમાનોને જોઈ શકતા હતા અને ન તો તેમની સાથે સંપર્ક કરી શકતા હતા. આ ઘટના એક બળી ગયેલા કોપર વાયરના કારણે બની હતી, જેના કારણે રડાર અને રેડિયો સંચાર બંને ખોરવાઈ ગયા હતા.
આ બ્લેકઆઉટ દરમિયાન, નેવાર્ક એરપોર્ટ માટે જવાબદાર ફિલાડેલ્ફિયા સ્થિત એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરના કંટ્રોલર્સે વિમાનો સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. સિસ્ટમ ફરીથી ચાલુ થાય તે પહેલાં, વિમાનોને માર્ગદર્શન વિના ઉડાન ભરવી પડી હતી. જો કે કોઈ દુર્ઘટના થઈ ન હતી, પરંતુ આ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હતી. આ ઘટના બાદ, ઘણા એર ટ્રાફિક કંટ્રોલર્સે માનસિક તણાવના કારણે ટ્રોમા લીવ લીધી હતી. ફેડરલ એમ્પ્લોઇઝ કમ્પેન્સેશન એક્ટ હેઠળ, લગભગ ૨૦% કંટ્રોલર્સે રજા લીધી હતી, જેના કારણે પહેલાથી જ સ્ટાફની અછતથી ઝઝૂમી રહેલા સિસ્ટમ પર વધુ દબાણ વધ્યું હતું.
આ ટેકનિકલ ખામીએ અમેરિકાની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં જૂની ટેકનોલોજી અને સ્ટાફની અછતની સમસ્યાઓને ઉજાગર કરી છે. ફિલાડેલ્ફિયા TRACON સેન્ટર, જે નેવાર્ક એરસ્પેસનું સંચાલન કરે છે, તે પહેલાથી જ સ્ટાફની અછતથી ઝઝૂમી રહ્યું હતું. આ ઘટના બાદ, યુનાઇટેડ એરલાઇન્સે નેવાર્કથી પોતાની ૩૫ દૈનિક ફ્લાઇટ્સને કામચલાઉ ધોરણે રદ કરી દીધી છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ સંકટને સ્વીકારતા કહ્યું છે કે તેઓ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને આધુનિક બનાવવા માટે કામ કરી રહ્યા છે. પરિવહન સચિવ શૉન ડફીએ કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે અમેરિકાની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કેટલી નબળી છે અને તેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. આ ઘટનાએ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની નબળાઈઓને ઉજાગર કરી છે અને અધિકારીઓને તેને સુધારવા માટે નક્કર પગલાં ભરવાની જરૂર છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
