News of Tuesday, 6th May 2025
કમોસમી વરસાદથી તબાહીઃ ૧૪ના મોતઃ ૧૬ને ઈજા
સોમવારે ૧૦૪ તાલુકામાં કમોસમી વરસાદ ખાબકયો હતો, જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છેઃ આજે પણ અનેક વિસ્તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ, તા.૬: રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી કડાકા-ભડાકા સાથે વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની મુજબ સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબકયો હતો. સોમવારે ૧૦૪ તાલુકામાં કમોસમી વરસાદ ખાબકયો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે. વિવિધ ઘટનામાં ૧૪ના મોત થયા છે અને ૧૬ને ઈજા થઈ છે. હોડીંગ તુટવાથી, વિજળી પડવાથી, વૃક્ષ પડવાથી આ લોકોના મોત થયા છે.
ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં ૨૬ પશુઓ અને ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે ૧૬ લોકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ મકાનોને નુકસાન પહોંચ્યું છે.
સોમવારે સાંજના સમયે મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વળક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળો મંડપ પણ પડી ગયા હતા.
૬ મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ૭ મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
આજે રાજ્યના ૧૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી ઘટી શકે છે. દરમિયાન લોકોને આકરી ગરમીથી રાહત મળશે.
રાજ્યમાં સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે ૧૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે. આ ઉપરાંત અનેક સ્થળોએ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. ૭ અને ૮ મેના રોજ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વળક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. જેમાં વડોદરામાં ત્રણ લોકોનાં, અરવલ્લીમાં બે લોકોનાં અને અમદાવાદમાં એકનું મળી કુલ ૬ લોકોના મોત નિપજ્યા હતા.
ભારે પવનના કારણે લગ્નપ્રસંગોના રંગમાં ભંગ પડ્યો
સોમવારે સાંજે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે અનેક શહેરોમાં સાંજના સમયે લગ્નપ્રસંગો અને રિસેપ્શન ચાલી રહ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક શહેરોમાં મંડપ ઉડ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. અરવલ્લીના બાયડમાં તો તોફાની પવનના કારણે વરવધૂ સહિતના લોકોએ મંડપ છોડીને નીકળી જવું પડ્યું હતું.
કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ
જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂકયો છે. એવા સમયે જ ભારે પવન અને કરા વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.(૩૮.૬)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
