<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

'અનામત રેલગાડીના ડબ્બા જેવી, એકવાર ચઢનારા બીજાને આવવા દેતા નથી...' : સુપ્રીમ કોર્ટના જજની મોટી ટિપ્પણી

મહારાષ્ટ્રમાં ઓબીસી અનામત કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કરી મહત્વની ટિપ્પણી : જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી, તા. ૬: દેશમાં જાતિ આધારિત અનામતને લઈને સુપ્રીમ કોર્ટના એક જજની મહત્વની ટિપ્પણી સામે આવી છે. જજે કહ્યું કે અનામત એક રેલગાડીના ડબ્બા જેવી થઈ ગઈ છે અને જે લોકો આ ડબ્બામાં ચઢે છે, તેઓ બીજાને તેમાં પ્રવેશ કરવા દેવા માંગતા નથી.
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંતે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામત સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છેલ્લે ૨૦૧૬-૨૦૧૭માં યોજાઈ હતી. અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ઉમેદવારો માટે ક્વોટાને લઈને કાનૂની લડાઈના કારણે હોદ્દાઓ પર નિમણૂંકમાં વિલંબ થયો હતો. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ઓબીસી માટે ૨૭ ટકા ક્વોટા લાગુ કરવાના મહારાષ્ટ્ર સરકારના વટહુકમને રદ કરી દીધો હતો.
અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે રાજ્યના બંથિયા આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને અનામત આપી, પરંતુ એ તપાસ કર્યા વિના કે તેઓ રાજકીય રીતે પછાત છે કે નહીં. તેમણે દલીલ કરી હતી કે રાજકીય પછાતપણું સામાજિક અને શૈક્ષણિક પછાતપણાથી અલગ છે અને ઓબીસીને આપોઆપ રાજકીય રીતે પછાત માની શકાય નહીં.
આ અંગે ટિપ્પણી કરતાં જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, "વાત એ છે કે આ દેશમાં અનામતનો કારોબાર રેલવે જેવો થઈ ગયો છે. જે લોકો ડબ્બામાં ઘૂસી ગયા છે, તેઓ નથી ઇચ્છતા કે કોઈ બીજો ઘૂસે. આ જ આખો ખેલ છે. અરજદારનો પણ આ જ ખેલ છે." તેના પર શંકરનારાયણે કહ્યું કે હવે તેની પાછળ પણ ડબ્બા જોડવામાં આવી રહ્યા છે.
જસ્ટિસ કાંતે મૌખિક રીતે કહ્યું હતું કે જ્યારે તમે સમાવેશિતાના સિદ્ધાંતનું પાલન કરો છો, ત્યારે રાજ્ય વધુ વર્ગોની ઓળખ કરવા માટે બંધાયેલું છે. સામાજિક રીતે પછાત વર્ગ, રાજકીય રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ હશે. તેમને લાભથી શા માટે વંચિત રાખવા જોઈએ? તેને કોઈ વિશેષ પરિવાર અથવા જૂથો સુધી જ શા માટે સીમિત રાખવું જોઈએ?
સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની લાંબા સમયથી બાકી રહેલી ચૂંટણીઓને ઓબીસી અનામતના મુદ્દાને કારણે વધુ વિલંબિત કરી શકાય નહીં. બેન્ચે રાજ્યના વિચારો સાંભળવા માટે સુનાવણી મુલતવી રાખી હતી.

 

(2:56 PM IST)