News of Tuesday, 6th May 2025
દેવાના ડુંગર પર વિશ્વ શાંતિના સૌથી મોટા રક્ષક : ટ્રમ્પના નિર્ણયથી સંયુક્ત રાષ્ટ્રમાં હાહાકાર
૮૦ વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા નાણાકીય કટોકટીના ખતરા હેઠળ : કર્મચારીઓના પગાર અને શાંતિ સેનાની તૈનાતી પર પણ સંકટ

નવી દિલ્હી : વિશ્વમાં શાંતિ, માનવાધિકારો અને માનવતાવાદી સહાયતાનો સૌથી મોટો અવાજ ગણાતું સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) હવે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. ૮૦ વર્ષ જૂની આ વૈશ્વિક સંસ્થા પર હવે નાણાકીય દેવાળિયાપણાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો વર્તમાન સ્થિતિ નહીં બદલાય, તો આગામી પાંચ મહિનામાં ન તો કર્મચારીઓને પગાર મળી શકશે અને ન તો વિશ્વના સંકટગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સેનાની તૈનાતી શક્ય બનશે. ધ ઇકોનોમિસ્ટના અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર પોતાના બજેટ સંકટનો સામનો કરવા માટે એક કટોકટી યોજના પર વિચાર કરી રહ્યું છે, જેના હેઠળ લગભગ ૩,૦૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, યુએન નાઇજીરીયા, પાકિસ્તાન અને લિબિયા જેવા દેશોમાં સ્ટાફની સંખ્યા ૨૦% સુધી ઘટાડવાની તૈયારીમાં છે.
આ અભૂતપૂર્વ સંકટનું સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ₹૧૯,૦૦૦ કરોડની ફંડિંગ અટકાવવાનું છે. આ ફંડ સંયુક્ત રાષ્ટ્રના નિયમિત બજેટનો એક મોટો ભાગ છે. આમાં કેટલીક રકમ વર્તમાન બાઇડેન વહીવટીતંત્રના કાર્યકાળની પણ છે, પરંતુ ટ્રમ્પના શાસનમાં જ તેને પ્રાથમિકતાથી અટકાવી દેવામાં આવી હતી. યુએનનું ૨૦૨૫નું કુલ અંદાજિત બજેટ ₹૩૨,૦૦૦ કરોડ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સંસ્થાએ પહેલાથી જ ₹૫,૦૦૦ કરોડ એટલે કે ૧૭%નો કાપ મૂકવાની યોજના બનાવી લીધી છે.
યુએનના બજેટમાં ચીનનો હિસ્સો ૨૦% છે. છેલ્લાં વર્ષોમાં ચીને જાણીજોઈને પોતાની ફંડિંગમાં વિલંબ કર્યો છે. ૨૦૨૪માં તેનું ફંડ ૨૭ ડિસેમ્બરે આવ્યું હતું, જેના કારણે તે ઉપયોગમાં આવી શક્યું નહોતું. અંદરના સૂત્રો અનુસાર, ચીનની ઇચ્છા યુએનમાં ટોચના હોદ્દાઓ પર પોતાના અધિકારીઓની નિમણૂક કરવાની છે અને મોડા ચુકવણી કરીને તે દબાણ બનાવી રહ્યું છે. બીજી તરફ ૨૦૨૪માં ૪૧ દેશો પર ₹૭,૦૦૦ કરોડની ચુકવણી બાકી રહી હતી, જેમાં અમેરિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને વેનેઝુએલા જેવા દેશો મુખ્ય છે. અત્યાર સુધીમાં માત્ર ૪૯ દેશોએ સમયસર ફંડિંગ કર્યું છે.
યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આ સંકટને લઈને અત્યંત ચિંતિત છે. તેમણે ફેબ્રુઆરીમાં ચેતવણી આપી હતી કે જો ફરજિયાત ચુકવણી સમયસર નહીં થાય, તો જુલાઈ સુધીમાં યુએનના શાંતિ મિશન બંધ થવાની નોબત આવી શકે છે. હવે તેઓ મે મહિનામાં તમામ સભ્ય દેશોને એક ઔપચારિક પત્ર મોકલીને તાત્કાલિક ચુકવણીની અપીલ કરશે. સંયુક્ત રાષ્ટ્રનું આંતરિક મૂલ્યાંકન જણાવે છે કે જો કાપ મૂકવામાં નહીં આવે, તો ૨૦૨૫ના અંત સુધીમાં ખાધ ₹૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે.
જો અમેરિકા ૨૦૨૫માં પણ પોતાની ફરજિયાત ફંડિંગ નહીં આપે, તો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ ૧૯ અનુસાર ૨૦૨૭ સુધીમાં અમેરિકાને યુએન મહાસભામાં મતદાનનો અધિકાર ગુમાવવો પડી શકે છે. આ પહેલાં ઈરાન અને વેનેઝુએલા જેવા દેશોને આવી સજા ભોગવવી પડી છે. જો કે, અમેરિકા જેવા દેશનો મતદાન અધિકાર જવો યુએનની વિશ્વસનીયતાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
