<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

દેશના ૨૪૪ જિલ્લાઓમાં આવતીકાલે યુદ્ધની મોકડ્રીલ : ક્યાં થશે બ્લેકઆઉટ? પાકિસ્તાન સામે લડવાની તૈયારી!

પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને પગલે કેન્દ્ર સરકારનો આદેશ : નાગરિકોને આપત્કાલીન સ્થિતિ માટે અપાશે તાલીમ

નવી દિલ્હી/અમદાવાદ, તા. ૬: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવતીકાલે એટલે કે ૭ મેના રોજ દેશના ૨૪૪ જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવાનો આદેશ આપ્યો છે. આ મોકડ્રીલ દરમિયાન અનેક સ્થળોએ સાયરન વાગશે અને બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. આ કવાયતમાં છુપાવવાની કવાયત, સ્થળાંતરની કવાયત અને નાગરિક સુરક્ષા તાલીમનો પણ સમાવેશ થશે.
આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કઈ રીતે યોજાશે તે અંગે માહિતી આપતા જણાવાયું છે કે, હવાઈ હુમલાના ખતરાથી લોકોને ચેતવણી આપતી પ્રણાલીની અસરકારકતા ચકાસવા માટે હવાઈ સાયરનની તપાસ કરવામાં આવશે. રાત્રે હવાઈ હુમલાઓથી બચવા માટે શહેરોમાં કૃત્રિમ રીતે લાઈટો બંધ (બ્લેકઆઉટ) કરવામાં આવશે. વીજ પ્લાન્ટ, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને લશ્કરી થાણાઓને હવાઈ દેખરેખથી છુપાવવાની કવાયત પણ હાથ ધરાશે. જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટેની યોજનાની ચકાસણી માટે સ્થળાંતરની કવાયત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળા, કોલેજ, ઓફિસ અને સામુદાયિક કેન્દ્રોમાં લોકોને આશ્રય લેવા, પ્રાથમિક સારવાર આપવા અને કટોકટીની સ્થિતિમાં શાંત રહેવા અંગેની તાલીમ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર ૧૯૭૧ના યુદ્ધ પછી આટલા મોટા પાયે પ્રથમ વખત મોકડ્રીલનું આયોજન કરી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સામાન્ય જનતા, વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓને તૈયાર કરવાનો છે. પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ૨૬ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પહેલાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટું પગલું ભરતાં સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને અટારી સરહદ પર ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને પણ બંધ કરી દીધી હતી.

 

(2:29 PM IST)