<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ભારત LoC નજીક ગમે ત્‍યારે હુમલો કરી શકે છે

પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ચિંતિત

ઇસ્‍લામાબાદ તા.૬: પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફને ભારતના હુમલાનો ડર છે. તેમણે કહ્યું કે ભારત કાશ્‍મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક ગમે ત્‍યારે લશ્‍કરી હુમલો કરી શકે છે. આસિફનું આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી બે પરમાણુ સશષા દેશો વચ્‍ચે તણાવ ચરમસીમાએ છે. આસિફે સોમવારે ઇસ્‍લામાબાદમાં પત્રકારોને જણાવ્‍યું હતું કે, એવા અહેવાલો છે કે ભારત નિયંત્રણ રેખા નજીક કોઈપણ જગ્‍યાએ હુમલો કરી શકે છે. નવી દિલ્‍હીને યોગ્‍ય જવાબ આપવામાં આવશે. તેમણે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી પર રાજકીય લાભ માટે આ પ્રદેશને પરમાણુ યુદ્ધની અણી પર ધકેલી દેવાનો આરોપ લગાવ્‍યો.

ખ્‍વાજા આસિફે આરોપનો પુનરોચ્‍ચાર કર્યો કે નવી દિલ્‍હી ખૈબર પખ્‍તુનખ્‍વા અને બલુચિસ્‍તાનમાં આતંકવાદી પ્રવળત્તિઓમાં સામેલ છે. તેમણે દાવો કર્યો હતો કે, અમે ૨૦૧૬ અને ૨૦૧૭માં સંયુક્‍ત રાષ્‍ટ્રને પુરાવા આપ્‍યા હતા, જેમાં ભારતના આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના વીડિયોનો પણ સમાવેશ થાય છે  આસિફે દાવો કર્યો હતો કે બંને પ્રાંતોમાં તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓ અફઘાનિસ્‍તાનથી કાર્યરત સંગઠનો દ્વારા અંજામ આપવામાં આવી હતી અને તેમને કથિત રીતે ભારત તરફથી સમર્થન મળ્‍યું હતું. તેમણે કહ્યું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે પહેલગામ હુમલાની આંતરરાષ્‍ટ્રીય તપાસની માંગ કરી છે.

સંરક્ષણ પ્રધાન આસિફે કહ્યું, આવી તપાસથી ખબર પડશે કે આમાં ભારત પોતે કે કોઈ આંતરિક સંગઠન સામેલ હતું. ઉપરાંત, નવી દિલ્‍હીના પાયાવિહોણા આરોપો પાછળનું સત્‍ય સ્‍પષ્ટ થશે. ગયા અઠવાડિયે, માહિતી પ્રધાન અત્તા તરારે કહ્યું હતું કે ભારત તરફથી સંભવિત હુમલાની શકયતાને કારણે આગામી ૨૪-૩૬ કલાક મહત્‍વપૂર્ણ છે. જોકે, સમય પસાર થઈ ગયો અને ભારત તરફથી કોઈ કાર્યવાહી થઈ નહીં. દરમિયાન, પાકિસ્‍તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે સોમવારે ફરી એકવાર કહ્યું કે પાકિસ્‍તાન તેની રાષ્‍ટ્રીય પ્રતિષ્ઠા અને તેના લોકોની સમળદ્ધિનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે

(10:13 AM IST)