<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સોનામાં ૧૬૦૦-ચાંદીમાં ૧૮૦૦ રૂા.નો કડાકો

સોનુ ૧૦ ગ્રામનો ભાવ ઘટીને ૯૬,૯૦૦ અને ચાંદીનો ભાવ ૯૭,ર૦૦ રૂા. થયા : સોનામાં સવારે ર૦૦૦ રૂા. તૂટયા બાદ ફરી ૪૦૦ રૂા. વધી ગયા

રાજકોટ, તા. ૧: બુલીયન માર્કેટમાં આજે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયો હતો. સોનામા ૧૬૦૦ રૂા. અને ચાંદીમાં ૧૮૦૦ રૂા.નો ઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં આજે સોનામાં ૧૬૦૦ રૂા. તુટયા હતા.  સોનુ સ્‍ટાન્‍ડર્ડ ૧૦ ગ્રામનો ભાવ ૯૮,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૯૬,૯૦૦  રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૧૬૦૦૦ રૂા. તૂટયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) નો ભાવ ૯,૮પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯,૬૯,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. આજે સવારે બજારો ખુલતાની સાથે જ એક તબક્કે સોનામાં ર૦૦૦ રૂા. ઘટયા હતા. સોનાના ભાવ ઘટીને ૯૬,પ૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બપોરે ફરી સોનામાં ૪૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાનો ભાવ ૯૬,૯૦૦ રૂા. થયા છે.

સોનાની સાથે ચાંદીના ભાવો પણ ઘટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને કારણે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૧૮૦૦ રૂા. તુંટયા હતા. ગઇકાલે ચાંદીનો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯૭,૨૦૦ રૂા. થયા હતા.

ગઇકાલે અખાત્રીજના દિવસે સોનામાં ૪૦૦ રૂા. નો ઘટાડો થયો હતો. બાદમાં આજે વધુ ભાવો તુટયા હતા. ચાંદીના ભાવ પણ ઘટયા હતા.

(2:58 PM IST)