News of Thursday, 1st May 2025
BBMBનો આદેશ : હરિયાણા માટે 8500 ક્યુસેક પાણી છોડવામાં આવશે, વિવાદ વકર્યો
પાણી છોડવાના મુદ્દે પંજાબ અને હરિયાણા વચ્ચે તણાવ : BBMBના આદેશ બાદ નંગલ ડેમ પર સુરક્ષા વધારાઈ : પંજાબના એન્જિનિયરની હકાલપટ્ટી

ચંડીગઢ: ભાખરા ડેમમાંથી હરિયાણાને 8500 ક્યુસેક વધારાનું પાણી છોડવાના આદેશ બાદ આજે સવારથી જ નંગલ ડેમ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. આજે સવારે રૂપનગરના એસએસપી શુભમ અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે BBMBના ચીફ એન્જિનિયર સીપી સિંહ અને એસપીડી ગુરદીપ સિંહ ગોસલ પણ ત્યાં હાજર હતા. માનવામાં આવી રહ્યું છે કે આજે ભાખરા ડેમમાંથી હરિયાણા માટે 8500 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સવારે સૌથી પહેલા પોલીસે નંગલ ડેમને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો, ત્યારબાદ એક પછી એક BBMBના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચવા લાગ્યા હતા.
8500 ક્યુસેક વધારાનું પાણી છોડવાની માંગને લઈને પંજાબ, હરિયાણા અને ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)માં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાખરા ડેમ મેનેજમેન્ટ બોર્ડના ડિરેક્ટર એન્જિનિયર આકાશદીપ સિંહને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને હરિયાણાના એન્જિનિયર સંજીવ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. આકાશદીપ સિંહ ભાખરા ડેમના એન્જિનિયર છે, જેમનું કામ ત્રણેય રાજ્યોની પરવાનગી બાદ પાણી છોડવાનું છે. તેમણે ગઈકાલે BBMBની બેઠકમાં પંજાબની પરવાનગી વિના પાણી છોડવાનો ઇનકાર કરી દીધો હતો. આકાશદીપ સિંહ પંજાબ કેડરના એન્જિનિયર છે અને હાલમાં BBMBમાં ડેપ્યુટેશન પર છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી બંને રાજ્યો વચ્ચે વધારાનું પાણી છોડવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડની મળેલી બેઠકમાં હરિયાણાને 4500 ક્યુસેક પાણી વધારાના ધોરણે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, પંજાબ સરકારે તેનો સખત વિરોધ કરતાં કહ્યું હતું કે હરિયાણા તેમના હિસ્સાનું પાણી પહેલાથી જ લઈ ચૂક્યું છે અને હવે તેને પંજાબના હિસ્સામાંથી પાણી આપી શકાય નહીં, પરંતુ બોર્ડની બેઠકમાં હરિયાણા, રાજસ્થાન અને કેન્દ્ર સરકાર એક તરફ થઈ જતાં પંજાબ એકલું પડી ગયું અને નિર્ણય તેના વિરોધમાં આવ્યો.
પંજાબના એન્જિનિયર અને વિભાગના મુખ્ય સચિવ કૃષ્ણ કુમારે બેઠકમાં પોતાનો વિરોધ નોંધાવીને બેઠક અધવચ્ચે છોડી દીધી હતી. આજે જ્યારે નાંગલ વોટર કંટ્રોલિંગથી પાણી છોડવામાં આવનાર છે, ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પગલું પહલગામ હુમલા બાદ ડેમની સુરક્ષાને લઈને વધારવામાં આવ્યું છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે પંજાબે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ કિંમતે ડેમમાંથી પાણી છોડવામાં આવશે નહીં.
BBMBની બેઠકમાં થયેલા નિર્ણય વિરુદ્ધ આગામી રણનીતિ નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરે અધિકારીઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને કાનૂની સલાહ પણ લેવામાં આવી રહી છે. સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે પંજાબ સરકાર કોઈ પણ કિંમતે વધારાનું પાણી છોડવાના મૂડમાં નથી, કારણ કે મે અને જૂનમાં માલવા વિસ્તારમાં કપાસની વાવણી શરૂ થઈ જાય છે, જેના માટે પંજાબ સરકાર દર વર્ષે પોતાના હિસ્સામાંથી પાણી બચાવીને રાખે છે. હવે હરિયાણાને આ પાણી છોડવાથી માલવા વિસ્તારમાં પાણીની તંગી વધવાની શક્યતાઓ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પંજાબ ભાજપનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને આજે તેમના નેતાઓના ઘરની સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
