<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

હવે પાકિસ્તાનના સ્ટાર ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ' ભારતમાં બ્લોક

અગાઉ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર, બાસિત અલી અને શાહિદ આફ્રિદીના યુટ્યુબ એકાઉન્ટ બ્લોક કરાયા હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. ભારત સરકાર પણ એક્શન મોડમાં છે અને મોટા નિર્ણયો લઈ રહી છે. હવે પાકિસ્તાનના સ્ટાર ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'કાનૂની વિનંતી' બાદ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. સરકાર એવા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી રહી છે જેના ભારતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આ સંદર્ભમાં, અરશદ નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હવે ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

ભારતમાં અરશદ નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સંદેશ મળી રહ્યો છે કે, 'આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.' આ નિર્ણય આ સંબંધમાં કાનૂની વિનંતીને પગલે લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતમાં ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે "ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી".

 

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર, બાસિત અલી અને શાહિદ આફ્રિદીના યુટ્યુબ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. જોકે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપલબ્ધ છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા છે.

 

અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 8 ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલી ફાઇનલમાં, અરશદ નદીમે તેના બીજા પ્રયાસમાં 92.97નો થ્રો ફેંક્યો. આ ઓલિમ્પિક ઇતિહાસનો શ્રેષ્ઠ થ્રો હતો. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ આ ઇવેન્ટનો સિલ્વર મેડલ જીત્યો. ફાઇનલમાં, નીરજ ચોપરાએ પોતાના બીજા પ્રયાસમાં ૮૯.૪૫ મીટર ફેંક્યો.

(1:22 PM IST)