<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અજમેરના દિગ્ગી બજારમાં હોટલ નાઝમાં ભીષણ આગ ભભૂકી:એક બાળક સહીત ચાર લોકોના મોત

ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી: એક બાળક અને બે મહિલાઓ ઘાયલ : પાંચ માળની હોટેલમાં કેટલાક મહેમાનોએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો

 

અજમેરના દિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક બાળક સહિત પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે અમને ઘણા લોકો બેભાન અવસ્થામાં મળ્યા, જેમાં એક બાળક પણ સામેલ છે. બે મહિલાઓ ઘાયલ હાલતમાં મળી આવી હતી. બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આગ લાગવાથી 4 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ માળની હોટેલમાં કેટલાક મહેમાનોએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

"આજે સવારે દિગ્ગી બજાર વિસ્તારમાં એક હોટલમાં આગ લાગી હતી. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બે પુરુષો, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મોત ગૂંગળામણ અને બળી જવાથી થયા છે," તેમ જેએલએન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલ સમરિયાએ જણાવ્યું હતું.

એડિશનલ SP હિમાંશુ જાંગીડે જણાવ્યું હતું કે હોટલ સુધી પહોંચવા માટે સાંકડો રસ્તો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

હોટલમાં હાજર એક મહેમાનએ જણાવ્યું કે તેણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ તે તેની પત્ની સાથે બહાર દોડી ગયો. "એક મહિલાએ બારીમાંથી તેના બાળકને મારા ખોળામાં ફેંકી દીધું. તેણે બિલ્ડિંગ પરથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ અમે તેને રોકી," હોટેલમાં રોકાયેલી માંગીલા કાલોસિયાએ કહ્યું. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિએ બારીમાંથી કૂદકો માર્યો અને તેને માથામાં ઈજાઓ થઈ છે.

(1:17 PM IST)