News of Sunday, 27th April 2025
ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી! વારાણસી એરપોર્ટ પર અફરાતફરી : કેનેડિયન મુસાફરની પોલીસ દ્વારા અટકાયત
બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટમાં વિદેશી નાગરિકના બોમ્બના દાવાથી સુરક્ષા તંત્ર એલર્ટ : તપાસ બાદ ફ્લાઈટ રવાના

વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર ગત રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે ઈન્ડિગોની બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટમાં એક વિદેશી નાગરિકે બોમ્બ હોવાનો દાવો કર્યો હતો. સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વિમાનની સઘન તપાસ કરી હતી. ત્યારબાદ રવિવારે સવારે આ વિમાનને બેંગલુરુ માટે રવાના કરવામાં આવ્યું હતું, જ્યારે પોલીસે બોમ્બની અફવા ફેલાવનાર કેનેડિયન નાગરિકને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર શનિવારે રાત્રે આ ઘટના બની હતી. ઈન્ડિગોના વિમાનમાં સવાર એક મુસાફરે બોમ્બની માહિતી આપી હતી. આ વિમાન વારાણસીથી બેંગલુરુ જઈ રહ્યું હતું. પોલીસે આ બોમ્બની અફવા ફેલાવનાર કેનેડાના યુવકની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ પણ તેની પૂછપરછ કરી રહી છે અને તે યુવકે આવું શા માટે કહ્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓ કેનેડિયન નાગરિકની પૂછપરછ કરી રહ્યા છે. એરપોર્ટના ડિરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે બોમ્બની અફવા બાદ વિમાનને સઘન તપાસ માટે ‘આઇસોલેશન વે’માં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. પુનીત ગુપ્તાએ કહ્યું કે કેનેડિયન મુસાફરના દાવા બાદ ઈન્ડિગોના ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક હવાઈ ટ્રાફિક નિયંત્રણ (એટીસી)ને ખતરા વિશે જાણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનને નીચે ઉતારવામાં આવ્યું હતું અને માનક સુરક્ષા પ્રોટોકોલ અનુસાર તેની તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની મંજૂરી મળ્યા બાદ વિમાન રવિવારે સવારે બેંગલુરુ માટે રવાના થયું હતું અને આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
