News of Sunday, 27th April 2025
ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ પહેલગામ હુમલા બાદ ભારતે લીધું કડક વલણ, પાકિસ્તાનમાં યોજાનારી સેન્ટ્રલ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપમાંથી ટીમ પાછી ખેંચી
એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ 28 મે થી 4 જૂન સુધી ઈસ્લામાબાદના લિયાકત જિમ્નેશિયમમાં રમાશે

નવી દિલ્હીઃ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોના મોત બાદ દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ ગુસ્સાની અસર હવે રમતગમતના ક્ષેત્રો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતે પાકિસ્તાનમાં યોજાનારી સેન્ટ્રલ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપમાં પોતાની ટીમ નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (VFI)એ અગાઉ આ ટુર્નામેન્ટ માટે 30 સભ્યોની ટીમ મોકલવાની તૈયારી કરી હતી, જેમાં 22 ખેલાડીઓ અને 8 સપોર્ટ સ્ટાફનો સમાવેશ થતો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારની સૂચના બાદ ભારતે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે આવા માહોલમાં પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની રમત કે સહયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ 28 મે થી 4 જૂન સુધી ઈસ્લામાબાદના લિયાકત જિમ્નેશિયમમાં રમાશે. આયોજકોના મતે ભારતીય ટીમના ટુર્નામેન્ટમાંથી ખસી જવાથી ચેમ્પિયનશિપના સ્તર પર મોટી અસર પડશે. જોકે હજુ પણ ચેમ્પિયનશિપમાં યજમાન પાકિસ્તાન અને ઈરાન સાથે કુલ 4 ટીમો ભાગ લેશે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને પોતાના આકરા ઈરાદાઓને પહેલા જ જાહેર કરી દીધું હતું. તેના જવાબમાં, પાકિસ્તાને તેની T20 ક્રિકેટ લીગ PSLના પ્રસારણ માટે કામ કરી રહેલા 23 ભારતીય ટેકનિકલ સ્ટાફને પણ ભારત પાછા ફરવા કહ્યું છે. આ ઘટનાઓ દર્શાવે છે કે જો ભારતીય વોલીબોલ ટીમ એશિયન ચેમ્પિયનશિપ માટે પાકિસ્તાન ગઈ હોત તો તેની સુરક્ષાને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
