તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 26th April 2025
દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડતા પાઠક પરિવારે પ્લાન બદલ્યો અને આતંકી હુમલાથી બચ્યો: હેમખેમ ઘરે પરત ફર્યા
સાવરકુંડલા પૂરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક તેમની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વા સાથે પેકેજ ટૂર પર કાશ્મીર ગયા હતા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ભયાનક ઘટનામાં ઘણા લોકોનો બચાવ પણ થયો છે, જેમાં અમરેલીનો એક પરિવાર પણ સામેલ છે. આ પરિવારે જણાવ્યું કે તેમની પાંચ વર્ષની દીકરીને કારણે તેમનો જીવ બચ્યો છે.
સાવરકુંડલા પૂરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક તેમની પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વા સાથે 17 થી 14 તારીખની પેકેજ ટૂર પર કાશ્મીર ગયા હતા. તેમનો 22 તારીખે બપોરે 12:30 કલાકે બૈસરન વિસ્તારમાં જવાનો કાર્યક્રમ હતો. જો કે આ પરિવાર છેલ્લા ચાર દિવસથી ઘોડા પર ફરી રહ્યો હોવાથી તે દિવસે પાંચ વર્ષની મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. આથી પરિવારે પોતાનો પ્લાન બદલ્યો અને તેઓ જમવા માટે અન્ય સ્થળે ગયા.
નાયબ મામલતદાર સંદીપ પાઠક અને તેમનો પરિવાર હાલ સુરક્ષિત રીતે અમરેલી પહોંચી ગયા છે. PGVCLમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી તેમની પત્ની સહિત આખો પરિવાર આ દુર્ઘટનામાંથી બચી જવા બદલ ભગવાનનો આભાર માની રહ્યો છે.
આ ઘટના અંગે વાત કરતાં સંદીપ પાઠકે જણાવ્યું કે, મારી દીકરીએ ઘોડા પર જવાની ના પાડી, તેથી અમે જમીને મહાદેવનાં દર્શન કરીને બેઠા હતા. આ સમયે જ અમારા ઘોડાવાળાએ આવીને અમને આ હુમલાની જાણ કરી. તેણે મને કહ્યું કે સાહેબ, તમારી ઢીંગલીએ ના પાડતાં જ આપણે ત્યાં ન ગયા. આટલું કહીને ઘોડાવાળાએ નાની મેશ્વાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ ઘટનાએ પરિવારને એક નવો જીવનદાન આપ્યો છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
