તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
નશામાં ગરકાવ કાશ્મીર: ૩ વર્ષમાં ૨૬,૦૦૦ નશેડીઓનું રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં નશાનો રાક્ષસ બેફામ બન્યો: સરકારે પણ સ્વીકારી વાસ્તવિકતા

જમ્મુ: કાશ્મીર હવે નશાના રંગમાં રંગાઈ રહ્યું છે અને આ વાતને સરકારે પણ સ્વીકારી લીધી છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૨થી જમ્મુ-કાશ્મીરમાં ઓપીડીમાં ૨૫,૪૦૦ અને આઈપીડીમાં ૧,૫૯૫ નશેડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ માહિતી પ્રદેશ સરકારે વિધાનસભામાં ધારાસભ્યોના સવાલના જવાબમાં આપી હતી.
આ સવાલ તનવીર સાદિક, બશીર અહમદ વીરી, નરિંદર સિંહ, શબ્બીર અહમદ કુલ્લે અને જાવિદ અહમદ મિરચલે ઉઠાવ્યો હતો. આરોગ્ય અને ચિકિત્સા શિક્ષણ (એચ એન્ડ એમઈ) વિભાગના મંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં ઓપીડીમાં ૯,૭૭૫, ૨૦૨૩માં ૮,૭૦૦ અને ૨૦૨૪માં ૬,૯૨૫ નશેડીઓ નોંધાયા. તેવી જ રીતે, આઈપીડીમાં ૨૦૨૨માં ૩૦૬, ૨૦૨૩માં ૫૮૬ અને ૨૦૨૪માં ૭૦૩ નશેડીઓનું રજિસ્ટ્રેશન થયું.
મંત્રી સકીના ઇટૂએ કહ્યું કે, નશીલા પદાર્થોનો ખતરો ગંભીર છે અને તેને દૂર કરવા સામૂહિક પ્રયાસો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, કડક કાયદા લાગુ કરવાની જવાબદારી પોલીસ અને સીઆઈડી જેવી એજન્સીઓ પર છે, જે ગૃહ વિભાગ હેઠળ આવે છે.
સરકારે ૨૦૧૯માં નશા મુક્તિ નીતિ જાહેર કરી હતી, જેનો અમલ ચાલુ છે. કેન્દ્રશાસિત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ૨૦ નશા મુક્તિ કેન્દ્રો કાર્યરત છે, જેમાં ઓપીડી સેવાઓ ઉપલબ્ધ છે. નવ સરકારી મેડિકલ કોલેજોમાં આઈપીડી સુવિધાઓ પણ શરૂ કરાઈ છે.
ઇટૂએ જણાવ્યું કે, સમાજ કલ્યાણ વિભાગ નશાને ખતમ કરવા અને પીડિતોના પુનર્વસન માટે આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે. રાજૌરી, કુલગામ અને બાંદીપોરામાં ત્રણ નશા મુક્તિ કેન્દ્રો એનજીઓ દ્વારા સરકારી ઈમારતોમાં ચાલે છે. જમ્મુ, શ્રીનગર અને કુપવાડામાં ત્રણ આઉટરીચ અને ડ્રોપ-ઇન સેન્ટર (ઓડીઆઈસી) તેમજ જમ્મુ અને શ્રીનગરમાં બે સામુદાયિક સહકારી હસ્તક્ષેપ (સીપીએલઆઈ) કાર્યરત છે.
બોક્સ:
મહિલાઓ માટે વિશેષ સુવિધા નહીં
મંત્રીએ સ્વીકાર્યું કે, મહિલાઓ માટે અલગ નશા મુક્તિ કેન્દ્ર નથી. જોકે, પુરુષો અને મહિલાઓ બંનેને હાલના કેન્દ્રોમાં સારવાર અને પુનર્વસનની સુવિધા આપવામાં આવે છે. દરમિયાન ઉધમપુર, રિયાસી અને રામબનમાં ત્રણ નવા કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયને મોકલાયો છે.
બોક્ષ:
નશા સામે સરકારની લડાઈ:
-
નશા મુક્તિ કેન્દ્રો: જમ્મુ-કાશ્મીરમાં ૨૦ નશા મુક્તિ કેન્દ્રો કાર્યરત, જેમાં કાશ્મીરમાં ૧૧ અને જમ્મુમાં ૯ છે.
-
નીતિ: ૨૦૧૯ની વ્યાપક નશા મુક્તિ નીતિ લાગુ કરાઈ, જેમાં સમસ્યાના ઉકેલ માટે ઉપાયો સૂચવાયા.
-
પહેલ: રાષ્ટ્રીય કાર્ય યોજના (એનએપીડીડીઆર ૨૦૧૮-૨૩) હેઠળ નશાની માંગ ઘટાડવાના પ્રયાસો.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
