<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ભારે કરી! અઢી વર્ષમાં ૨૫ વાર બાળકને જન્‍મ આપ્‍યો, ૫ વાર નસબંધી કરાવી

સરકારી યોજનામાં પકડાયું મહાકૌભાંડ

આગ્રા તા.૯: ભારત સરકાર સામાન્‍ય લોકોની સુવિધા માટે કેટલાય કાર્યક્રમો લોન્‍ચ કરે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્‍ય હોય છે લોકોની જિંદગીને થોડી સરળ બનાવવી. ખાસ કરીને એવા પરિવાર માટે, જે આર્થિક રીતે પછાત હોય છે. ભારત સરકારે જનની સુરક્ષા યોજના અંતર્ગત ગરીબ પ્રેગ્નેન્‍ટ મહિલાઓને પૈસા આપવાનું શરૂ કર્યું છે, જેથી ડિલિવરી બાદ તેમનું ધ્‍યાન રાખવામાં થોડી મદદ મળી શકે. આ ઉપરાંત મહિલાઓને નસબંધી કરાવવા માટે પ્રોત્‍સાહન રકમ પણ આપવામાં આવે છે.

કેટલીય સરકારી યોજનામાં થઈ રહેલી ધાંધલીની અસર આ યોજના પર પણ દેખાઈ. આગ્રાના સામુદાયિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય મિશન અંતર્ગત ચાલતી જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધીની પ્રોત્‍સાહન રાશિને ગેરકાયદેસર રીતે ફાળવણી કરવાનો મામલો સામે આવ્‍યો છે. તેમાં એક જ મહિલાના નામ પર પચીસ વાર ડિલિવરી અને પાંચ વાર નસબંધીનો ઉલ્લેખ કરતાં ચુકવણી કરવામાં આવી છે. સૌથી નવાઈની વાત એ છે કે આ બધુ પેમેન્‍ટ અઢી વર્ષની અંદર થયું છે.

ઓડિટ ટીમે જ્‍યારે આ યોજનાની રકમની ફાળવણીનો રિપોર્ટ જોયો તો તેમને શંકા ગઈ. ત્‍યારબાદ તપાસ ટીમ બનાવી. આ યોજના અંતર્ગત સરકારી હોસ્‍પિટલમાં ડિલિવરી પર ગ્રામીણ મહિલાઓને ચોદસો અને શહેરી મહિલાઓને એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

સાથે જ જો મહિલાએ નસબંધી કરાવી હોય તો બે હજારનું પેમેન્‍ટ આપવામાં આવે છે. આ પૈસા ડાયરેક્‍ટ મહિલાના ખાતામાં મોકલવામાં આવે છે. ઓડિટ ટીમે જ્‍યારે પેમેન્‍ટ રિપોર્ટ જોયો તો વારંવાર કળષ્‍ણા કુમારીના નામ પર પેમેન્‍ટ બતાવ્‍યું. અઢી વર્ષમાં કળષ્‍ણા કુમારીની પચીસ વાર ડિલિવરી અને પાંચ વાર નસબંધી કરાવીને પેમેન્‍ટ કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ ભાંડો ફૂટયો.

જ્‍યારે તપાસ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ કાંડ લાંબા સમયથી ચાલતો હતો. સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રોના કર્મચારીઓ એક જ મહિલાના નામ પર કેટલીય વાર ચૂકવણી કરતા. ત્‍યારબાદ પૈસા અંદરોઅંદર વહેંચી લેતા. જો નામ અને ખાતું બદલીને ધાંધલી કરતા તો આ ભાંડો કયારેય ન ફૂટતો. પણ એક જ નામ પર મહિલાના ખાતામાં વારંવાર પૈસા મોકલતા શંકા ગઈ અને આખો ખેલ સામે આવ્‍યો. હવે આ કેસમાં જે પણ દોષિત હશે તે તમામ પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.(૩૮.૧૦)

(10:10 AM IST)