<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયું : બિલના સમર્થનમાં 288 વોટ અને વિરુદ્ધમાં 232 વોટ પડ્યા

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલના સમર્થનમાં 288 વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 વોટ પડ્યા: વિપક્ષી સાંસદોએ આ બિલને ગેરબંધારણીય અને મુસ્લિમ વિરોધી ગણાવ્યું

નવી દિલ્હી :લોકસભામાં વકફ સુધારા બિલ પર મતદાન થયું. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલના સમર્થનમાં 288 વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 વોટ પડ્યા.

   વિપક્ષને આડે હાથ લેતા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, "તમે કહો છો કે આપણા દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. હું કહું છું કે લઘુમતીઓ આ દેશથી વધુ સુરક્ષિત બીજે ક્યાંય નથી. 1959માં ચીન-તિબેટમાં સમસ્યા હતી, તેઓ ક્યાંથી આવ્યા હતા અને અહીં બેઠા છે. મ્યાનમારથી લોકો અહીં આવ્યા હતા." .

આજે દિવસભર આ બિલ પર ચર્ચા થઈ. એનડીએના સાંસદોએ આ બિલ માટે લોબિંગ કર્યું. વિપક્ષી સાંસદોએ આ બિલને ગેરબંધારણીય અને મુસ્લિમ વિરોધી ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં બિલ રજૂ કર્યું હતું.

  બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કહ્યું કે વક્ફ બિલ અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષો લઘુમતીઓને ડરાવી રહ્યા છે. વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડ ૧૯૯૫ થી કાર્યરત છે. સરકારી મિલકતનું દાન કરી શકાતું નથી. ફક્ત પોતાની મિલકતનું જ દાન કરી શકાય છે. આ બિલ ધાર્મિક બાબતોમાં દખલ કરતું નથી.

 અમિતભાઈ  શાહે વધુમાં કહ્યું કે આ બિલ વકફ મિલકતની જાળવણી માટે લાવવામાં આવ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે વકફના પૈસા મુસ્લિમોના વિકાસ માટે ખર્ચવામાં આવે. દિલ્હીમાં રેલ્વેની જમીન વકફને આપવામાં આવી. મંદિરોની જમીન વકફને આપવામાં આવી. પ્રયાગરાજ સ્થિત આઝાદ પાર્કની જમીન વક્ફને આપવામાં આવી હતી. મુસ્લિમો સમજી જશે કે બિલ તેમના પક્ષમાં છે

(1:22 AM IST)