તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
બિહારથી એક 10 વર્ષીય કિશોર ટ્રેનમાં બેસીને ભુલથી વડોદરા પહોંચ્યો :પોલીસે પિતા સાથે મિલન કરાવ્યું
પોલીસે બિહારના 20 ગામનો સંપર્ક કર્યો હતો. પાંચ ગામના સરપંચ સાથે વાત કર્યા બાદ પિતાનો સંપર્ક થયો

બિહારના દામોદરપુર ગામનો એક 10 વર્ષીય કિશોર ટ્રેનમાં બેસીને ભુલથી વડોદરા આવી પહોંચ્યો હતો. વડોદરામાં ફરી રહેલો કિશોર પોલીસના ધ્યાને આવ્યો હતો. જેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. તે બિહારી બોલતો હોવાથી બિહારી શ્રમિકોની મદદ લેવામાં આવી હતી. કિશોરના પરિવારની ભાળ મેળવવા માટે પોલીસે બિહારના 20 ગામનો સંપર્ક કર્યો હતો. પાંચ ગામના સરપંચ સાથે વાત કર્યા બાદ પિતાનો સંપર્ક થયો હતો. પોલીસે 5 કલાકની મહેનત બાદ કિશોર અને પિતાનું મિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, બિહારના ભોજપુર તાલુકાના દામોદરપુર ગામનો એક 10 વર્ષીય કિશોર, જે અઠવાડિયા પહેલા પોતાના ઘરેથી ગુમ થયો હતો, તે ભૂલથી ટ્રેનમાં બેસીને વડોદરા શહેરમાં આવી પહોંચ્યો હતો. રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ, જે.પી. રોડ પોલીસને અક્ષરચોક નજીક આ કિશોર એકલું અને અસહાય સ્થિતિમાં આમતેમ ફરતો જોવા મળ્યો. પોલીસે તાત્કાલિક તેને પોતાની સુરક્ષામાં લઈ પોલીસ સ્ટેશન લાવી હતી.
પોલીસે જોયું કે બાળકના કપડાં મેલા હતા અને તે ફક્ત બિહારી ભાષામાં વાત કરી રહ્યો હતો. માનવતા દાખવી, પોલીસે સૌપ્રથમ તેને નવા કપડાં (ટી-શર્ટ અને બેલ્ટ) અપાવ્યા અને તેને જમાડ્યો. ત્યારબાદ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની એક ટીમે બાળકના પરિવારજનોને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. ભાષાકીય અવરોધને દૂર કરવા, પોલીસે વિસ્તારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)નું કામ કરતા પાંચ બિહારી શ્રમિકોની મદદ માંગી હતી.
આ શ્રમિકોએ બાળક સાથે વાતચીત કરીને તેના ગામનું નામ 'દામોદરપુર' જાણ્યું હતું. જોકે, બાળકને તેના તાલુકા કે જિલ્લાની જાણ ન હતી અને બિહાર એક મોટું રાજ્ય હોવાથી ચોક્કસ સરનામું શોધવું પડકારજનક હતું.
પોલીસ અને મદદગાર શ્રમિકોએ હાર માન્યા વિના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેમણે બિહારના આશરે 20 અલગ-અલગ ગામોમાં સંપર્ક કર્યો અને પાંચ ગામના સરપંચો સાથે પણ વાતચીત કરી હતી. આખરે, લગભગ પાંચ કલાકની સઘન શોધખોળ બાદ, રાત્રે 12 વાગ્યાની આસપાસ એક સરપંચનો સંપર્ક થયો હતો, જેમણે પુષ્ટિ કરી કે તેમના ગામનો એક પરિવાર આ બાળકને શોધી રહ્યો છે અને તે પરિવાર બાળકની શોધમાં મુંબઈ ગયો છે.
સરપંચ મારફતે બાળકના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો દીકરો સુરક્ષિત હોવાના સમાચાર સાંભળી પિતાની ખુશીનો પાર ન રહ્યો. તેઓ તાત્કાલિક વડોદરા આવવા નીકળ્યા અને જે.પી. રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે જરૂરી કાર્યવાહી બાદ બાળકને તેના પિતાને હેમખેમ સોંપ્યો હતો.
બાળક માત્ર બિહારી બોલી શકતું હોવાથી, પોલીસે સ્થાનિક પીઓપી કામદારોની મદદ લીધી હતી. આ પાંચ બિહારી શ્રમિકોએ બાળક સાથે વાત કરીને તેના ગામનું નામ જાણ્યું અને બિહારમાં પોતાના સંપર્કો દ્વારા તાલુકાની ભાળ મેળવી ગામના સરપંચનો સંપર્ક સાધવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, જેના કારણે બાળકના પિતા સુધી પહોંચવું શક્ય બન્યું હતું.
જે.પી. રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસ.એમ. સગરે જણાવ્યું હતું કે, અમને એકલું બાળક મળી આવતા જ અમારી ટીમે તેના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બાળકની ભાષા અલગ હોવાથી અમે દુભાષિયાઓની મદદ લીધી. સતત પાંચ કલાકની મહેનત બાદ અમે બાળકના પિતાને શોધી કાઢવામાં સફળ રહ્યા. પરિવાર વડોદરા આવ્યો અને અમે બાળકને તેમને સુરક્ષિત રીતે સોંપી દીધો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
