તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
કર્ણાટકઃ ડીઝલના ભાવમાં ૨ રૂપિયાનો વધારો ઝિંકાયો
મધ્યમવર્ગીય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો

બેંગલુરુ,તા.૨: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ આપ્યો છે. અહીંના લોકો હજુ દૂધ અને વીજળીના ભાવ વધારામાંથી બહાર આવ્યા નથી ત્યાં હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે મંગળવારે ડીઝલના ભાવમાં અંદાજે ૨.૭ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડીઝલમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો થશે તે સ્પષ્ટ થઈ ગયું છે અને આજથી ડીઝલની નવી કિંમત ૯૧.૦૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણયથી આશરે રૂ. ૫૦૦ કરોડની આવક થવાની ધારણા છે.
આ નિર્ણય પાછળ સરકારનો તર્ક હતો કે કર્ણાટકમાં ડીઝલના ભાવ હજુ પણ પડોશી રાજ્યો કરતા ઓછા છે. આપને જણાવી દઈએ કે, આ બીજી વખત છે જ્યારે રાજ્ય સરકારે એક વર્ષથી ઓછા સમયમાં ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ ગયા વર્ષે જૂન ૨૦૨૪માં ડીઝલ પર ૪.૧ ટકા ટેક્સ ૧૪.૩૪ ટકાથી વધારીને ૧૮.૪૪ ટકા કરવામાં આવ્યો હતો. હવે વર્તમાન વધારા સાથે વેચાણ વેરો ૨૧.૭ ટકા થઈ ગયો છે.
ડીઝલ પર ટેક્સ વધારવાના નિર્ણયની સામાન્ય જનતા પર ખરાબ અસર પડશે કારણ કે થોડા દિવસો પહેલા જ દૂધના ભાવમાં લિટર દીઠ ૪ રૂપિયા અને વીજળી ડ્યૂટીમાં ૩૬ પૈસા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાયમી ફીમાં કિલોવોટ દીઠ ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે, ગયા મહિને, જ્યારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ૨૦૨૫-૨૬ માટે કોઈ નવા કર લાદ્યા વિના અને વર્તમાન કરમાં કોઈ ફેરફાર કર્યા વિના બજેટ રજૂ કર્યું હતું, ત્યારે વિપક્ષના નેતા આર અશોકે બજેટ સત્ર પૂરું થયા પછી ભાવ વધારા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. તેમના શબ્દો સાચા પડતા હોય તેમ લોકોને લાગી રહ્યું છે.(૪૦.૫)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
