<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

નાગપુરની એક મહિલાએ પોતાના જ પતિનું વોટ્‍સએપ હેક કરી તેની કાળી કરતૂતનો પર્દાફાશ કરી દીધો

પતિ પોતાની અસલી ઓળખ છુપાવીને કેટલીય મહિલાઓને ડેટ કરી રહ્યો હતો અને તેમને લગ્નના ખોટા વાયદા કરી સંબંધ બાંધી રહ્યો હતો : એટલું જ નહીં,તેણે કેટલીય મહિલાઓના અશ્‍લીલ વીડિયો પણ રેકોર્ડ કરી બ્‍લેકમેલ કરવાનું શરૂ કરી દીધું

નાગપૂર તા.૨: નાગપુરની એક મહિલાએ પોતાના જ પતિનું વોટ્‍સએપ હેક કરી તેની કાળી કરતૂતનો પર્દાફાશ કરી દીધો. પતિ પોતાની અસલી ઓળખ છુપાવીને કેટલીય મહિલાઓને ડેટ કરી રહ્યો હતો અને તેમને લગ્નના ખોટા વાયદા કરી સંબંધ બાંધી રહ્યો હતો. એટલું જ નહીં, તેણે કેટલીય મહિલાઓના અશ્‍લીલ વીડિયો પણ રેકોર્ડ કરી બ્‍લેકમેલ કરવાનું શરૂ કરી દીધું

શંકા જતાં મહિલાએ એક દિવસ પતિનું વોટ્‍સએપ ખોલ્‍યું અને તેની ચેટ વાંચીને ચોંકી ગઈ. ચેટ્‍સમાં કેટલીય મહિલાઓની વાતચીત હતી, જેમાં તે ખુદને કુંવારા ગણાવીને તેમને પ્રેમમાં ફસાવતો. આ ઉપરાંત, તેણે એક સગીર છોકરીને પણ પોતાનો શિકાર બનાવ્‍યો હતો. મહિલાને જરાં પણ મોડું કર્યા વિના પોલીસને જાણકારી આપી દીધી.

આરોપી અબ્‍દુલ શારિક કુરૈશી ઉર્ફ સાહિલ (૩૩)નું નાગપુરના ટેકા નાકા વિસ્‍તારમાં પાનની દુકાન છે. તેની પત્‍નીએ જણાવ્‍યું કે, તેમના લગ્ન ૨૦૨૧માં થયા હતા અને તેમને ૩ વર્ષની એક દીકરી પણ છે. લગ્ન બાદ ધીમે ધીમે તેણે પોતાના પતિના વ્‍યવહારમાં બદલાવ જોવા મળ્‍યો. તે કલાકો સુધી ફોન પર વ્‍યસ્‍ત રહેતો અને ઘર પર ધ્‍યાન આપતો નહીં. જ્‍યારે પત્‍નીએ તેની તપાસ કરી તો આખી સચ્‍ચાઈ સામે આવી ગઈ.

તપાસમાં સામે આવ્‍યું કે, આરોપીએ એક સગીર છોકરીને પણ દગો આપ્‍યો હતો. તેણે આ છોકરીને તેની માતાએ આપેલી સોનાની વીંટી પણ છીનવી લીધી અને ૩૦,૦૦૦ રૂપિયામાં તેને વેચી દીધી. જ્‍યારે આ મામલો સામે આવ્‍યો તો છોકરી અને તેની માએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને તેના વિરુદ્ધ કેટલીય કલમો અંતર્ગત કેસ નોંધી લીધો. જોકે, અન્‍ય પીડિત મહિલાઓને પણ ફરિયાદ નોંધાવવા માટે કહેવાયું છે. પણ સમાજના ડરે તેઓ સામે નથી આવી રહી. પોલીસ હવે આ સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી અન્‍ય પીડિતાઓને શોધી રહી છે.(૩૮.૬)

(10:05 AM IST)