<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

સૌરભ બાદ હવે મુસ્‍કાનની હત્‍યાઃ ૨૭ દિવસ પછી હાડપિંજર મળ્‍યું, પતિ નીકળ્‍યો હેવાન

ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લામાંથી તાજેતરમાં જઘન્‍ય હત્‍યાકાંડના મામલા સતત આવી રહ્યા છે : ગળું દબાવીને તેની હત્‍યા કરી નાખી અને લાશને દફનાવી દીધીઃ પતિ અને તેના બે સાથીઓની હત્‍યાના આરોપમાં ધરપકડ

શામલી તા.૨: ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાંથી તાજેતરમાં જઘન્‍ય હત્‍યાકાંડના મામલા સતત આવી રહ્યા છે. મેરઠના બહુચર્ચિત સૌરભ હત્‍યાકાંડ બાદ હવે શામલીમાંથી મુસ્‍કાન નામની છોકરીની હત્‍યાનો મામલો સામે આવ્‍યો છે. પોલીસે મુસ્‍કાનના પતિ અને તેના બે સાથીઓને હત્‍યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પોલીસે રવિવારે મળતકના અસ્‍થિ મળ્‍યા છે. પોલીસે સોમવારે જણાવ્‍યું કે, ૨૮ વર્ષીય મુસ્‍કાન ૧૮ ફેબ્રુઆરીથી ગુમ હતી અને તે ગુમ થવાની ઘટના એક જૂના ગુનાહિત મામલામાં તેના પતિ મોહમ્‍મદ રિઝવાનના જામીન રદ થવાના સમયે થઈ.

મુસ્‍કાન અચાનક ગુમ થયા બાદ તેના કાકા નૂર હસને રિઝવાનને શંકાસ્‍પદ ગણાવતા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. રવિવારે પૂછપરછ દરમ્‍યાન રિઝવાને પોતાનો ગુનો કબૂલ કર્યો. એસપી સિટી અમિત કિશોર શ્રીવાસ્‍તવે જણાવ્‍યું કે, રિઝવાને પોતાના બે સાથીઓ રાધેશ્‍યામ અને રામ અવતારની મદદથી મુસ્‍કાનની હત્‍યા કરી અને તેમને ૭૦-૭૦ હજાર રૂપિયા આપ્‍યા. તેણે ગળું દબાવીને તેની હત્‍યા કરી નાખી અને લાશને નારાવ વિસ્‍તારમાં દફનાવી દીધી.

તેણે જણાવ્‍યું કે, પોતાનો ગુનો છુપાવવા માટે રિઝવાને જામીન રદ થયા બાદ પણ ૨૭ દિવસ જેલમાં વિતાવ્‍યા. તેના વિરુદ્ધ હત્‍યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં બીએનએસની કલમ ૧૦૩ અંતર્ગત ફરિયાદ નોંધી ત્રણેયને જેલમાં મોકલી દીધા. બદાયૂના ઉઝાનીના ગાલમ પટ્ટી વિસ્‍તારમાં રહેતા રિઝવાને લગભગ ચાર વર્ષ પહેલા મુસ્‍કાન સાથે લગ્ન કર્યા હતા

પોતાની પહેલી પત્‍ની જૈનબની નારાજગીના કારણે રિઝવાને બંને મહિલાઓ માટે અલગ અલગ ઘર બનાવ્‍યા. રિઝવાન આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો હતો અને મુસ્‍કાનને તેનાથી ત્રણ વર્ષનો દીકરો પણ હતો. એસપીએ કહ્યું કે, રિઝવાન મુસ્‍કાનને દર મહિને ૧૦ હજાર રૂપિયા ખર્ચ આપતો હતો. પણ તે પોતાના બાળકનો ઉછેર માટે ૪૦ હજાર માગતી હતી. જેના કારણે બંને વચ્‍ચે હંમેશા ઝઘડા થતાં રહેતા. સતત થઈ રહેલા ઝઘડાથી કંટાળીને રિઝવાને આખરે તેને ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો.(૩૮.૮)

(10:05 AM IST)