News of Sunday, 30th March 2025
હવે બ્રિટન જવું મોંઘુ થશે : વિદ્યાર્થી અને મુલાકાતી વિઝામાં નોંધપાત્ર વધારો
હોમ ઓફિસે વિદ્યાર્થી, મુલાકાતી અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અરજીઓ સહિત અનેક શ્રેણીઓમાં વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી

નવી દિલ્હી : હોમ ઓફિસે વિદ્યાર્થી, મુલાકાતી અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અરજીઓ સહિત અનેક શ્રેણીઓમાં વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી છે, જે 9 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. આ વધારો વિઝાના પ્રકાર પર આધાર રાખીને બદલાય છે. વિદ્યાર્થી અને મુલાકાતી વિઝામાં નોંધપાત્ર વધારો થયો છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ મુખ્ય અરજદારો અને આશ્રિતો બંને માટે લાગુ પડતી વિદ્યાર્થી વિઝા ફી વર્તમાન સમયમાં 490 પાઉન્ડથી 7 ટકા વધીને 524 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં આજે રૂપિયા 58059.57 થશે.
તેવી જ રીતે બાળ વિદ્યાર્થી વિઝાનો ખર્ચ પણ 524 પાઉન્ડ હશે. ઓક્ટોબર 2023ની શરૂઆતમાં વિદ્યાર્થી વિઝા ફીમાં ત્રીજા ભાગથી વધુનો નોંધપાત્ર વધારો થયો હતો. છ થી 11 મહિનાના અંગ્રેજી ભાષાના અભ્યાસક્રમો માટે ટૂંકા ગાળાના અભ્યાસ વિઝાનો ખર્ચ 7 ટકા વધીને 200 પાઉન્ડ થી 214 પાઉન્ડ થશે.
UKના વિઝિટર વિઝા ફીમાં 10 ટકાનો વધારો થશે, જેમાં છ મહિનાના વિઝાનો ખર્ચ 115 પાઉન્ડ થી વધીને 127 પાઉન્ડ થશે. બે,પાંચ અને દસ વર્ષના લાંબા ગાળાના વિઝિટ વિઝા પણ મોંઘા થશે, જેની ફી અનુક્રમે 475 પાઉન્ડ, 848 પાઉન્ડ અને 1,059 પાઉન્ડ થશે.
ડાયરેક્ટ એરસાઇડ ટ્રાન્ઝિટ વિઝા ફી 39 પાઉન્ડ સુધીની હશે, જ્યારે લેન્ડસાઇડ ટ્રાન્ઝિટ વિઝા ફી 70 પાઉન્ડ હશે. જે નાગરિકોને યુકેની મુસાફરી માટે વિઝાની જરૂર નથી, તેમના માટે જરૂરી ETA ફી 60 ટકા વધીને 16 પાઉન્ડ થશે.
યુકે સરકારે 2જી એપ્રિલ,2025થી EU નાગરિકો માટે તેનો વિસ્તાર કરવામાં આવે તે પહેલાં, જાન્યુઆરીમાં જ આ ફેરફારનો સંકેત આપ્યો હતો. બ્રિટિશ એજ્યુકેશનલ ટ્રાવેલ એસોસિએશન (BETA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ્મા ઇંગ્લિશએ આ ફેરફારોની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વર્ક વિઝા શ્રેણીઓ પણ પ્રભાવિત થાય છે. ત્રણ વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે માન્ય કુશળ કાર્યકર વિઝા માટેની ફી £719 થી વધીને £769 થશે, જ્યારે ત્રણ વર્ષથી વધુ સમયગાળા માટે અરજીઓ 1,420 પાઉન્ડથી વધીને 1,519 પાઉન્ડ થશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
