<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

મ્યાંમારમાં વિનાશક ભૂકંપથી 1600થી વધુ લોકોના મોત :3400ને ઇજા : અનેક કાટમાળ નીચે દબાયા

સાગિંગ, માંડલે અને ને પ્યી તાની સરકારી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની વધતી જતી સંખ્યાને જોતા લોકોને રક્તદાનની અપીલ

મ્યાંમારના માંડલે વિસ્તારમાં આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ચોરફ વિનાશ વેર્યો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1644 લોકોના મોત થયા છે, જ્યારે 3408થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 139 લોકો હજુ પણ કાટમાળ હેઠળ લાપત્તા હોવાનું માલૂમ પડ્યું છે.

ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપનું કેન્દ્રબિંદુ માંડલેથી 20 કિમી દૂર હતુ, જે દેશનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. જેની વસ્તી 1.5 મિલિયન છે. હજુ પણ મ્યામારમાં આફ્ટરશૉક આવી રહ્યા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી (NDMA) દ્વારા સાગિંગ, માંડલે, મેંગવે, શાન રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગ, ને પ્યી તાની રાજધાની અને બાગો વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરી છે. હાલ રેસ્ક્યુ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે આંતરરાષ્ટ્રીય મદદ પણ મેળવવામાં આવી રહી છે.

સાગિંગ, માંડલે અને ને પ્યી તાની સરકારી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની વધતી જતી સંખ્યાને જોતા લોકોને રક્તદાનની અપીલ કરવામાં આવી રહી છે. જમીનદોસ્ત થયેલી ઈમારતોના કાટમાળમાં હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. ભૂકંપના કારણે વીજ પૂરવઠો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. જેના પરિણામે દેશના સૌથી મોટા શહેર યાંગુનમા કેટલાક ભાગોમાં સિગ્નલ જ નથી મળી રહ્યા.

જો થાઈલેન્ડની વાત કરવામાં આવે, તો અહીં 10 લોકો માર્યા ગયા છે, જ્યારે 42 ઈજાગ્રસ્ત છે. આ સિવાય રાજધાની બેંગકોકમાં 78 લાપત્તા છે. ભૂકંપ બાદ થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ બેંગકોકમાં પણ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

(10:45 PM IST)