<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સોનામાં આગઝરતી તેજી :ભાવ રૂ. 92000ને પાર પહોંચ્યા : શું એક લાખની સપાટી કુદાવશે ?: જાણો શું કહે છે નિષ્ણાંતો

ટ્રમ્પની સત્તામાં વાપસી પછી સોનું સતત મોંઘું ; 2025ના બીજા છ મહિનામાં તે વધીને રૂપિયા 96,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે

નવી દિલ્હી :સોનાની કિંમત છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહી છે. હાલમાં 24 કેરેટ સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ઉપલબ્ધ છે. હવે પ્રશ્ન એ થાય છે કે સોનું અહીંથી એક લાખ તરફ કેટલી ઝડપથી આગળ વધશે?

  અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી પછી સોનું સતત મોંઘું થઈ રહ્યું છે. વચ્ચે થોડો ઘટાડો જોવા મળ્યો, પણ તે વધુ મોટો ન હતો. એક અહેવાલ અનુસાર, ICICI બેંક ગ્લોબલ માર્કેટ્સના નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા અને અમેરિકી ટેરિફ નીતિઓને કારણે 2025ના પ્રથમ છ મહિના દરમિયાન સોનાની કિંમત રૂપિયા 87,000 થી રૂપિયા 90,000 પ્રતિ 10 ગ્રામ રહી શકે છે. જ્યારે 2025ના બીજા છ મહિનામાં તે વધીને રૂપિયા 96,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. એટલે કે, આ વર્ષે સોનું એક લાખનો આંકડો પાર કરી શકે તેવું ઓછું લાગી રહ્યું છે.

  સ્થાનિક સ્તરે સોનાની કિંમતો 2025ના પ્રથમ છ મહિના દરમિયાન રૂપિયા 87,000 થી રૂપિયા 90,000 ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. જ્યારે 2025ના બીજા છ મહિનામાં તે રૂપિયા 94,000 થી રૂપિયા 96,000 ની રેન્જમાં પહોંચી શકે. વધતી કિંમતોને કારણે સોનાના દાગીનાની માંગ ઘટી ગઈ છે, જેના કારણે છેલ્લા 11 મહિનામાં સોનાની આયાત 2.3 અબજ ડોલર પર પહોંચી છે, જે માસિક ધોરણે 14% ની કમી અને વાર્ષિક ધોરણે 63% ની કમી દર્શાવે છે  

સોનું મોંઘું થતા દાગીનાની ખરીદી ધીમી પડી છે, પરંતુ સોનામાં રોકાણ સ્થિર રહ્યું છે. ખાસ કરીને ગોલ્ડ ETF અને સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી વધી છે. એક અહેવાલ અનુસાર, ફેબ્રુઆરી 2025માં ગોલ્ડ ETFમાં રૂપિયા 19.8 અબજનું રોકાણ થયું, જે છેલ્લા 9 મહિનામાં સરેરાશરૂપિયા 14.8 અબજથી વધુ છે. તેમજ, વિશ્વના કેન્દ્રીય બેન્કો તેમના સોનાના સંગ્રહમાં વધારો કરી રહ્યા છે, જે કિંમતોને વધુ ટેકો આપી શકે છે.

 

સોનાની કિંમતમાં વૃદ્ધિ માટે અનેક વૈશ્વિક પરિબળ જવાબદાર છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ મુખ્ય કારણ છે. ટ્રમ્પ 2 એપ્રિલથી પરસ્પર ટેરિફ લાગુ કરવા જઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક લેવલે ટ્રેડ વોરની શક્યતા વધી છે. જો એવું થાય છે, તો સોનાના ભાવ વધુ તેજીથી વધી શકે છે.

 

ડિસેમ્બર 2025 સુધી વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો 3,200 ડોલર થી 3,400 ડોલર પ્રતિ ઔંસ રહેવાની સંભાવના છે. ઉપરાંત, 2025 અને 2026 દરમિયાન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે સોનું વધુ આકર્ષક રોકાણ બની શકે છે.

કોટક સિક્યોરિટીઝના વિશ્લેષકો કહે છે કે વૈશ્વિક ટ્રેડ વોરની ચિંતાઓથી સોનું સતત નવા શિખરો સર કરી રહ્યું છે. ટ્રમ્પના નવા ટેરિફ અને વેપાર સંજોગોને લઈ વધતી અનિશ્ચિતતાને કારણે સોનાની માંગ વધી રહી છે. ગોલ્ડમેન સેક્સ અને બેંક ઑફ અમેરિકા (BofA) જેવી સંસ્થાઓએ 2025ના અંત સુધી સોનાના લક્ષ્ય ભાવ 3,300 ડોલર પ્રતિ ઔંસ રાખ્યા છે. HDFC સિક્યોરિટીઝના એનાલિસ્ટ મુજબ સોનું 99,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, પરંતુ સોના કરતાં ચાંદીમાં વધુ નફો મળી શકે છે

સોનું ETF માં રોકાણ કરવું વધુ સારો વિકલ્પ છે.લાંબા ગાળે ફાયદા માટે ફિઝિકલ ગોલ્ડ કરતા ડિજિટલ ગોલ્ડ વધુ સારું રહેશે.કોઇ નવો રોકાણકાર હોય, તો તેને ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે 2025માં ચાંદી રૂપિયા 1.25 લાખ સુધી પહોંચી શકે છે.

 

ભારતમાં સોનું માત્ર રોકાણનું સાધન જ નહીં, પણ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પણ, વધતી કિંમતોને કારણે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને વધતી કિંમતોને કારણે દાગીનાની ખરીદી ઘટી રહી છે, જ્યારે રોકાણની માંગ યથાવત્ રહી છે.

 

(8:00 PM IST)