તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
કેનેડાએ વર્ષ ૨૦૨૪માં ૨૩ લાખથી વધુ વિઝા રિજેક્ટ કર્યા
૫૨ ટકા સ્ટૂડન્ટસને નિરાશા હાથ લાગી : કેનેડાએ તેની ઈમિગ્રેશન નીતિમાં કરેલા ફેરફાર બાદ વિઝા રિજેક્શન દર વધી ગયો છે, સૌથી મોટો ફટકો સ્ટૂડન્ટ અને વર્ક પરમીટ વિઝા માગનારાને પડયો છે

ટોરેન્ટો : કેનેડાએ વર્ષ ૨૦૨૪માં સ્ટૂડન્ટ્સ, ટુરિસ્ટ્સ અને ફોરેન વર્કર્સ સહિત ૨૩ લાખથી વધુ લોકોના વિઝા રિજેક્ટ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જે કેનેડા દ્વારા ટેમ્પરરી રેસિડન્ટ વિઝા રિજેક્ટ કરવાનો અત્યાર સુધીનો સૌથી મોટો દર છે. માત્ર એક વર્ષમાં વિઝા રિજેક્શન રેટ ૩૫ ટકાથી વધીને ૫૦ ટકા થઈ ગયો હતો. આ આંકડો કેનેડાની ઈમિગ્રેશન નીતિમાં આવેલા મોટા ફેરફારનો સંકેત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ માટે કેનેડા ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હતું. પરંતુ હવે કેનેડાના સ્ટડી વિઝા મળવા પણ મુશ્કેલ બની ગયા છે. વર્ષ ૨૦૨૪માં કેનેડાએ સ્ટડી વિઝા માટે આવેલી ઈન્ડિયન સહિતના વિદેશી સ્ટૂડન્ટ્સની કુલ એપ્લીકેશન્સમાંથી ૫૦ ટકાથી વધુને રિજેક્ટ કરી દીધી હતી.
કેનેડાના ટોરેન્ટો સ્ટાર ન્યૂઝ પેપરને મળેલા આંકડા મુજબ ઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા એ વર્ષ ૨૦૨૪માં ૨૩,૫૯,૧૫૭ ટેમ્પરરી રેસિડન્ટ વિઝા એપ્લીકેશન્સને રિજેક્ટ કરી દીધી હતી. આ આંકડો વર્ષ ૨૦૨૩ કરતા ઘણો વધારે છે. વર્ષ ૨૦૨૩માં ૧૮,૪૬,૧૮૦ રેસિડન્ટ વિઝા એપ્લીકેશન્સ રિજેક્ટ કરાઈ હતી. કેનેડાએ વર્ષ ૨૦૨૪માં વિઝિટર વિઝા માટે આવેલી કુલ એપ્લીકેશનમાંથી ૫૦ ટકા રિજેક્ટ કરી દીધી હતી. વર્ષ ૨૦૨૪માં કેનેડાએ રિજેક્ટ કરેલી વિઝિટર વિઝા એપ્લીકેશન્સનો આંકડો ૧૯.૫ લાખ હતો. જ્યારે કે, વર્ષ ૨૦૨૩માં વિઝિટિર વિઝાનો રિજેક્શન રેટ ૪૦ ટકા હતો. વર્ષ ૨૦૨૪માં સ્ટડી વિઝા માટે આવેલી એપ્લીકેશનમાંથી ૫૨ ટકા અને વર્ક પરમીટ માટેની એપ્લીકેશન્સમાંથી ૨૨ ટકાને રિજેક્ટ કરી દીધી હતી. વર્ક પરમીટ વિઝા એપ્લીકેશન્સ રિજેક્ટ કરવામાં ગત વર્ષ કરતા સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૨૩ ટકા વર્ક પરમીટ વિઝા એપ્લીકેશન રિજેક્ટ કરાઈ હતી.
કેનેડાના નાગરિકોએ હાઉસિંગ શોર્ટેજ અને કોસ્ટ લિવિંગ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેને પગલે અગાઉની જસ્ટિન ટ્રૂડો ગવર્નમેન્ટ પર ટેમ્પરરી ઈમિગ્રેશન ઘટાડવા દબાણ હતું અને તેના કારણે વિઝા રિજેક્શનનું પ્રમાણ વધ્યું છે. કેનેડાએ આગામી ત્રણ વર્ષ માટે પર્મેનન્ટ રેસિડન્સી ટાર્ગેટમાં ઘટાડી દીધો છે. વર્ષ ૨૦૨૫માં પર્મેનન્ટ રેસિડન્સીનો કેપ ઘટીને ૩,૯૫,૦૦૦ થઈ જશે. તે પછી વર્ષ ૨૦૨૬માં ૩,૮૦,૦૦૦ અને વર્ષ ૨૦૨૭માં ૩,૬૫,૦૦૦ કરી દેવાશે.
કેનેડાએ ટેમ્પરરી રેસિડન્ટ્સ ધરાવતા લોકોને પરમીટ પૂરી થતાની સાથે જ પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. પરંતુ જે લોકો પર્મેનન્ટ સ્ટેટસ મેળવવા એલિજેબલ છે તેમના માટે કેનેડામાં રહેવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે.
આંતરિક ડેટા મુજબ, નવા વિઝા રુલ્સનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવા છતાં ઘણા વિદેશી નાગરિકો વિઝિટર રેકર્ડ્સ પર સ્વીચ થઈ રહ્યા છે. વિઝિટર રેકર્ડ પર સ્વીચ થવાથી તેમને કેનેડામાં કાયદેસર રહેવાની મંજૂરી મળી જાય છે. જોકે, તેમને સ્ટડી કે વર્ક કરવાનો અધિકાર મળતો નથી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
