<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ભીમ ૩.૦ નવો અવતાર: ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિકારી પગલું: એપ્રિલ સુધીમાં તમામ ફીચર સાથે ઉપલબ્ધ થશે

નાણાકીય વ્યવહારોને વધુ પારદર્શક અને સચોટ બનાવવાનો પ્રયાસ

નવી દિલ્હી: નેશનલ પેયમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને નવી ઊંચાઈએ પહોંચાડવા ભીમ ૩.૦ લોન્ચ કર્યું છે. આ અપગ્રેડેડ એપ્લિકેશનમાં યુઝર્સ માટે યુપીઆઈનો અનુભવ સરળ અને સુરક્ષિત બનાવવા અનેક નવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. આ સાથે નાણાકીય વ્યવહારોને વધુ પારદર્શક અને સચોટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. 
ફેમિલી મોડથી બજેટ પર નજર
ભીમ ૩.૦નું ફેમિલી મોડ ફીચર યુઝર્સને તેમના પરિવારના સભ્યોને જોડવાની સુવિધા આપે છે. આ ફીચરથી ઘરના ખર્ચાઓ પર નજર રાખી શકાશે અને નક્કી કરી શકાશે કે કયો ખર્ચ કોણે ચૂકવવો. આનાથી ઘરનું બજેટ સંભાળવું સરળ બનશે અને બિનજરૂરી ખર્ચ પર લગામ લાગશે. 
ખર્ચની સમાન વહેંચણીની સરળતા
આ એપમાં ખર્ચને સરખા ભાગે વહેંચવાનું ફીચર પણ છે. મિત્રો કે સહકર્મચારીઓ સાથે ટ્રાવેલ, ડિનર કે શોપિંગના બિલને સરળતાથી વહેંચી શકાશે અને સીધા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ માટે હવે કેલ્ક્યુલેટર કે થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં પડે. 
ખર્ચનું લિસ્ટ અને ચાર્ટ સાથે નિયંત્રણ
ભીમ ૩.૦માં એક ડેશબોર્ડ આવશે, જે ખર્ચાઓને આપોઆપ કેટેગરીમાં વહેંચીને ચાર્ટ દ્વારા રજૂ કરશે. આનાથી યુઝર્સ પોતાની ખર્ચની આદતો સમજી શકશે અને તેને નિયંત્રિત કરવામાં મદદ મળશે. 
ટાસ્ક આસિસ્ટન્ટથી બિલની યાદી
આ એપમાં બિલ્ટ-ઇન ટાસ્ક આસિસ્ટન્ટ એલર્ટ સિસ્ટમ છે, બાકી બિલ કે યુપીઆઈ લાઇટમાં ઓછું બેલેન્સ જેવી મહત્વની બાબતોની યુઝર્સને યાદ અપાવશે. 
વેપારીઓ માટે ભીમ વેગા
વેપારીઓ માટે ખાસ ‘ભીમ વેગા’ ટૂલ રજૂ કરાયું છે, જેમાં બિલ્ટ-ઇન પેમેન્ટ સિસ્ટમ છે. આનાથી વેપારીઓને થર્ડ-પાર્ટી પેમેન્ટ સિસ્ટમની જરૂર નહીં પડે અને તેઓ સીધું પોતાના પ્લેટફોર્મ પર ચુકવણી લઈ શકશે. 
૧૫ ભાષાઓમાં સપોર્ટ
ભારતની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને ભીમ ૩.૦માં ૧૫ ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આનાથી દરેક રાજ્યના લોકો પોતાની ભાષામાં આ એપનો ઉપયોગ સરળતાથી કરી શકશે, પછી ભાષા ગમે તે હોય. 
ધીમા ઇન્ટરનેટ પર પણ સરળ કામગીરી
ભીમ ૩.૦ ધીમા ઇન્ટરનેટ કવરેજવાળા વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરશે. આનાથી ગામડાંઓમાં રહેતા યુઝર્સને પેમેન્ટમાં કોઈ અડચણ નહીં આવે અને એરરની સમસ્યા ઘટશે. 
ડિજિટલ પેમેન્ટને નવું બળ
ભીમ ૩.૦ શહેર અને ગામડાંઓ વચ્ચેના ડિજિટલ પેમેન્ટના અંતરને ઘટાડશે. આ સાથે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી ખાનગી એપ્સને ટક્કર આપીને યુઝર્સને સુરક્ષિત અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે. સરકાર આ દ્વારા લાખો યુઝર્સ, વેપારીઓ અને બેંકોને ડિજિટલ પેમેન્ટ તરફ પ્રેરિત કરી રહી છે. 
ક્યારે મળશે આ સુવિધા?
ભીમ ૩.૦નાં ફીચર્સ તબક્કાવાર રિલીઝ થશે અને એપ્રિલ ૨૦૨૫ સુધીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે. યુઝર્સ એન્ડ્રોઇડ અને એપ સ્ટોર પરથી એપ અપડેટ કે ડાઉનલોડ કરી શકે છે.

(9:34 PM IST)