News of Wednesday, 26th March 2025
ટેસ્લાનો મહારાષ્ટ્રમાં પ્લાન્ટ લગભગ નિશ્ચિત ! પુણે કે જેએનપીટી નજીક સ્થપાય તેવી શક્યતા: મોટી જાહેરાતની રાહ*
મહારાષ્ટ્ર સરકારે ટેસ્લાને આકર્ષવા માટે મોટા પગલાં લીધા: ૩૦ લાખથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક કાર પરનો ૬% ટેક્સ હટાવવાનો પ્રસ્તાવ પણ સામેલ: મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશે પણ પ્રસ્તાવ રજૂ કર્યા હતા

મુંબઈ: એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લા ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે મહારાષ્ટ્રને પસંદ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુણે અથવા જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જે એન પી ટી) નજીક આ પ્લાન્ટ સ્થાપવાની શક્યતા છે. જો બધું યોજના મુજબ ચાલ્યું તો આ એક મોટી સફળતા સાબિત થશે. મહારાષ્ટ્ર સરકારે ટેસ્લાને આકર્ષવા માટે મોટા પગલાં લીધા છે, જેમાં ૩૦ લાખથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક કાર પરનો ૬% ટેક્સ હટાવવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.
મહારાષ્ટ્રની મજબૂત દાવેદારી
ભારતમાં ટેસ્લાના પ્રવેશ માટે મહારાષ્ટ્ર સહિત ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશે પણ પોતાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જોકે, મહારાષ્ટ્રની અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરની નિકટતા અને સરકારની આકર્ષક ઓફર્સને કારણે તે રેસમાં આગળ નીકળી ગયું છે. મોદી સરકાર અને રાજ્ય પ્રશાસન બંને ટેસ્લાને ભારતમાં લાવવા માટે સંકલિત પ્રયાસો કરી રહ્યા છે, જે દેશના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ટેક્સમાં રાહતનો મોટો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને ટેસ્લાને રાજ્યમાં આકર્ષવા માટે ૩૦ લાખ રૂપિયાથી વધુ કિંમતની ઈવી કાર પરનો ૬% ટેક્સ નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણને વેગ આપશે તેવી આશા છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી ટેસ્લા માટે મહારાષ્ટ્ર વધુ આકર્ષક બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્લા અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. એપ્રિલ અથવા મે ૨૦૦૨૫માં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. ટેસ્લાના પ્લાન્ટથી હજારો રોજગારીની તકો ઊભી થશે અને ભારતના ઈવી માર્કેટમાં મોટો ઉછાળો આવશે તેવું અનુમાન છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
