News of Wednesday, 26th March 2025
નાણાકીય બિલ ૨૦૨૫ લોકસભામાં પસાર : ‘ગૂગલ ટેક્સ' ખતમ કરવા સહિત ૩૫ સુધારાઓ
લોકસભામાંથી આ બિલ પસાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે : હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૬: સંશોધિત નાણાકીય બિલ ૨૦૨૫ સાથે સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંશોધિત નાણા બિલ ૨૦૨૫ને રજૂ કર્યું હતું, જે પસાર થઈ ગયું છે. આ સુધારાઓમાં ઓનલાઈન જાહેરાતો પર ૬ ટકા ડિજિટલ ટેક્સ અથવા ‘ગૂગલ ટેક્સ' નાબૂદ કરવા સહિત ૩૫ સુધારાઓ સામેલ છે. આ સાથે લોકસભામાંથી આ બિલ પસાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
રાજ્યસભામાં આ બિલને રજૂ કરાયા બાદ જો તેને મંજૂરી મળી જશે તો આ બિલનો અમલ શરૂ થઈ જશે. કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં કુલ ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત કરાયો છે, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતા ૭.૪ ટકા વધારે છે. લોકસભામાં આ બિલને રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયું હતું કે,મેં જાહેરાતો માટે ૬ ટકા સમાનતા ફી (Equalization fee) રદ્દ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતાને દૂર કરવા માટે ઓનલાઈન જાહેરાતો પર સમાનતા ફી નાબૂદ (ખતમ) કરવામાં આવશે.ઁ
આપને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રસ્તાવિત બજેટમાં ૫,૪૧,૮૫૦.૨૧ રૂપિયાની ફાળવણી સમર્થિત યોજનાઓ માટે કરી છે, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં આ રકમ ૪,૧૫,૩૫૬.૨૫ કરોડ રૂપિયા હતી. કેટલાક કારણોસર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટમાં ખર્ચને વધારી દેવામાં આવ્યો છે.
આ સિવાય નાણાકીય વર્ષ ૨૦૨૬માં રાજકોષીય ખાધ ૪.૪ ટકા રહેવાની ધારણા છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે ૪.૪ ટકા છે. તો આગામી નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP) ૩,૫૬,૯૭,૯૨૩ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં ૧૦ ટકા વધારે છે
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
