<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

કોલેસ્‍ટરોલ માટે આ બે દવા ભેગી કરવાથી હાર્ટ- અટેકને કારણે થતાં ૩.૩ લાખ મૃત્યુને નિવારી શકાશે

ભારતમાં થતા વધુ પડતા કોલેસ્‍ટરોલને કારણે થતા હાર્ટ-અટેકના કેસ આ ડ્‍યુઅલ થેરપીથી ઘટાડી શકાય છે

અત્‍યાર સુધી જેમનું કોલેસ્‍ટરોલ વધારે હોય તેમને સ્‍ટૅટિન્‍સ નામની દવા આપવામાં આવે છે. જોકે એમાં અઝેટિમિબ નામની ડ્રગનું કોમ્‍બિનેશન આપવામાં આવે તો એનાથી હાર્ટ-અટેકને કારણે થતાં મળત્‍યુમાં ચોક્કસ ઘટાડો થઈ શકે છે. સામાન્‍ય રીતે ડૉક્‍ટરો પહેલાં સ્‍ટેટિન નામની દવા આપતા હોય છે અને જો એનાથી કોલેસ્‍ટરોલ ન ઘટે તો અઝેટિમિબ દવા આપે છે.

જોકે અમેરિકા અને બ્રિટનમાં અલગ-અલગ કુલ ૧૪ અભ્‍યાસ અંતર્ગત લગભગ ૧,૦૮,૩૫૩ દરદીઓ પર આ યોગ કરવામાં આવ્‍યો હતો. આ દરદીઓને હાર્ટ-અટેક અને સ્‍ટ્રોકનું બહુ ઊંચું જોખમ હતું. સંશોધકોએ નોંધ્‍યું છે કે સ્‍ટૅટિન અને અઝેટિમિબ નામની દવાઓનું સંયોજન આપવામાં આવે તો એનાથી ઓવરઓલ હાર્ટ-અટેકનું જોખમ ૧૯ ટકા જેટલું ઘટી જાય છે. આ બન્ને દવા શરીરમાં જમા થતા લો-ડેન્‍સિટી લિપો પ્રોટીન (LDL) એટલે કે ખરાબ કોલેસ્‍ટરોલને ઘટાડવાનું કામ કરે છે.  ભારતમાં થતા વધુ પડતા કોલેસ્‍ટરોલને કારણે થતા હાર્ટ-અટેકના કેસ આ ડ્‍યુઅલ થેરપીથી ઘટાડી શકાય છે અને અભ્‍યાસકર્તાઓએ નોંધ્‍યું છે કે એનાથી ભારતમાં દર વર્ષે ૩.૩ લાખ મળત્‍યુ નિવારી શકાય એવી શકયતા છે.

સ્‍ટેટિન નામની દવાથી લિવરમાં ખરાબ કોલેસ્‍ટરોલ જમા થવાની કે પેદા થવાની સંભાવનાઓ ઘટે છે. જ્‍યારે અઝેટિમિબ નામની દવા આંતરડામાંથી જ ખરાબ કૉલેસ્‍ટરોલનું શોષણ થઈને શરીરમાં ભળવાની પ્રક્રિયાને અવરોધે છે. આ બન્ને દવાઓ સાથે આપવામાં આવે છે ત્‍યારે લોહીમાં કૉલેસ્‍ટરોલ જમા થવાની સંભાવનાઓ ઘટી જાય છે.

(2:52 PM IST)