<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

કન્નડ અભિનેત્રી રાન્‍યા રાવે હવાલાના પૈસાથી સોનું ખરીદ્યું હોવાની વાત સ્‍વીકારી

દુબઇમાંથી સોનું ખરીદવાને લઇને મોટો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૨૬: કન્નડ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની જાણીતી અભિનેત્રી રાન્‍યા રાવ પર સોનાની દાણચોરીના કેસમાં ગંભીર આરોપો લાગ્‍યા છે. આ કેસમાં ડિરેક્‍ટોરેટ ઑફ રેવન્‍યુ ઈન્‍ટેલિજન્‍સ (DRI) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવામાં એવો દાવો કરવામાં આવ્‍યો છે કે રાન્‍યા રાવે હવાલાના પૈસાથી સોનું ખરીદ્યું હોવાની વાત સ્‍વીકારી છે. વાસ્‍તવમાં સોનાની દાણચોરી કેસમાં રાન્‍યા રાવની જામીન અરજી પર ૨૫ માર્ચ મંગળવારના રોજ સુનાવણી થઈ હતી. આ દરમિયાન ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઈન્‍ટેલિજન્‍સ (ડીઆરઆઈ)ના વકીલ મધુ રાવે કોર્ટને જણાવ્‍યું હતું કે, અભિનેત્રીએ સોનાની ખરીદી કરવામાં હવાલાના પૈસાનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે.

સોનાની દાણચોરી કેસમાં રાન્‍યા રાવની જામીન અરજી પર બેંગલુરુની ૬૪મી સીસીએચ સેશન કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ કોર્ટ જામીન અંગે ૨૭ માર્ચે નિર્ણય લેશે, આપને જણાવી દઈએ કે, ૩ માર્ચે દુબઈ આવ્‍યા બાદ કેમ્‍પેગૌડા ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર રાન્‍યા રાવ પાસેથી ૧૪.૮ કિલો સોનું જપ્‍ત કરવામાં આવ્‍યું હતું અને તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, જ્‍યાં અધિકારીઓએ ૨.૦૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડ રોકડા રૂપિયા જપ્‍ત કર્યા હતા.

આ કેસમાં ડીઆરઆઈએ કલમ ૧૦૮ હેઠળ નોટિસ જારી કરી છે, જે ન્‍યાયિક તપાસની પ્રક્રિયાને આગળ વધારવા માટે જારી કરવામાં આવે છે. હવે આ મામલે DRIની સઘન તપાસ ચાલી રહી છે. તપાસ એજન્‍સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, હવાલા નેટવર્કનો ક્‍યાં સુધી ઉપયોગ કરવામાં આવ્‍યો અને તેમાં કોણ કોણ સામેલ હતું. જો આ કેસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે તો વધુ ધરપકડ થવાની શક્‍યતા છે.(૨૩.૫)

(9:56 AM IST)