News of Saturday, 22nd March 2025
લગ્નમાં અવનવા અખતરા કરવા ભારે પડયા : દુલ્હનના વાળ સળગી ગયા : ગંભીર રીતે દાઝી ગઈ
એક ખાસ ફોટોશૂટનો પ્લાન બનાવ્યો હતો : જેમાં બેકગ્રાઉન્ડમાં રંગ બોમ્બ છોડવાની તૈયારી હતી

નવી દિલ્હી, તા.૨૨: લગ્ન કોઈ પણ માણસની જિંદગીનો સૌથી શાનદાર અનુભવ હોય છે. પણ જ્યારે આ ખુશી દર્દનાક દુર્ઘટનામાં બદલાઈ જાય તો કોઈને પણ ન ગમે. આવો જ એક કિસ્સો બેંગલુરુમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ભારતીય મૂળના કેનેડિયન કપલના લગ્નમાં કલર બોમ્બ ફાટતા દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.
ફોટોશૂટ દરમિયાન દુર્ઘટના થઈ
વિકી અને પિયા, જે કેનેડાથી ભારત લગ્ન કરવા આવ્યા હતા. પોતાના લગ્નની દરેક ક્ષણને યાદગાર બનાવવા માગતા હતા. તેના માટે તેમણે એક ખાસ ફોટોશૂટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં બેકગ્રાઉન્ડમાં રંગ બોમ્બ છોડવાની તૈયારી હતી. પણ તેમના આ પ્લાન પર પાણી ફરી વળ્યું. જેવું વિકીએ પત્નીને ઉંચકી, એક કલર બોમ્બ ભૂલથી ખોટી દિશામાં ફાટી ગયો અને સીધો દુલ્હન પર આવી ગયો.
આ દુર્ઘટનામાં દુલ્હન પિયાને ગંભીર રીતે ઈજા થઈ છે. તેના વાળ બળી ગયા અને પીઠ પર દાઝી જવાના નિશાન પડી ગયા. આ બધું એટલું અચાનક થયું કે લગ્નમાં આવેલા લોકો ગભરાઈ ગયા. તરત પિયાને હોસ્પિટલે લઈ જવામાં આવી. જ્યાં સારવાર બાદ તે પોતાના લગ્નના જશ્નમાં જોડાઈ ગઈ. જોકે આ દુર્ઘટનાએ તેના લગ્નની ખુશી પર ઊંડો આઘાત લગાવી દીધો.
આ આંખી ઘટનાનો વિડીયો કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો, જેને જોતજોતામાં લાખો લોકોએ જોયો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ફોટોશૂટ દરમિયાન કલર બોમ્બમાં ધમાકો થયો અને દુલ્હન તેની ચપેટમાં આવી ગઈ. લોકોએ આ વિડીયો પર ખૂબ પ્રતિક્રિયા આપી છે. અમુક લોકોએ સહાનુભૂતિ દર્શાવી છે, તો વળી અમુક લોકોએ ફટાકડા અને કલર બોમ્બને લઈને સતર્ક રહેવાની સલાહ પણ આપી છે.(૨૩.૭)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
