News of Tuesday, 18th March 2025
મહિલાની મંજૂરી વિના સરકારી જાહેરાતમાં ફોટાનો ઉપયોગઃ બોમ્બે હાઈકોર્ટની ૪ રાજ્યો અને કેન્દ્ર સરકારને નોટિસ
મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક તથા ઓડીશા સરકાર અને અમેરિકન કંપની શટરસ્ટોકને સોગંદનામુ દાખલ કરવા સૂચના

મુંબઈ, તા.૧૮: બોમ્બે હાઈકોર્ટે એક મહિલાની તસવીરને તેની મંજૂરી વિના સરકારી જાહેરાતોમાં વ્યાવસાયિક શોષણ અને ગેરકાયદેસર ઉપયોગ કરવાની ટીકા કરી છે. કોર્ટે આ મામલામાં કેન્દ્ર અને ચાર રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. નમ્રતા અંકુશ કાવલે નામની મહિલાએ તેના વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું હતું કે, એક પરિચિત ફોટોગ્રાફરે તેમની તસવીર ખેંચી અને તેમની મરજી અને સહમતિ વિના જાણકારી શટરસ્ટોક ડોટ કોમ વેબસાઈટ પર અપલોડ કરી દીધી હતી.
મહિલાનો આરોપ છે કે, ત્યારથી આ તસવીર મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારો અને કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલય અને અમુક ખાનગી સંસ્થાઓ દ્વારા તેમની વેબસાઈટો, ર્હોડિંગ્સ અને અન્ય જાહેરાતોમાં ગેરકાયદેસર રીતે આ ફોટો ઉપયોગ થઈ રહ્યો છે.
જસ્ટિસ જીએસ કુલકર્ણી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે મહિલાની અરજી પર સુનાવણી કરી. દરમિયાન, કોર્ટે કેન્દ્ર, ચાર રાજ્ય સરકારો અને અમેરિકન કંપની શટરસ્ટોક સહિત તમામ પ્રતિવાદીઓને આ કેસમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. ૧૦ માર્ચના રોજના પોતાના આદેશમાં, હાઈકોર્ટે જણાવ્યું હતું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ખૂબ જ ગંભીર છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક યુગ અને સોશિયલ મીડિયાના વર્તમાન સમયમાં અને પ્રથમ દ્રષ્ટિએ તે અરજદારના ફોટોગ્રાફનું વ્યાપારી શોષણ હોય તેવું લાગે છે. આગામી સુનાવણી ૨૪મીએ થશે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
