News of Tuesday, 11th March 2025
હૈદરાબાદમાં આર્થિક સંકટને કારણે એક જ પરિવારના ૪ સભ્યોએ આત્મહત્યા કરી
અમારી પાસે બીજો કોઇ રસ્તો નથી ઘરમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા પોલીસ મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે

હૈદરાબાદ, તા.૧૧: તેલંગાણાના હૈદરાબાદમાં ઉસ્માનિયા યુનિવર્સિટી (OU) પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા હબસીગુડાની શેરી નંબર ૮ ખાતે એક પરિવારના ચાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ ચંદ્રશેખર રેડ્ડી, તેમની પત્ની કવિતા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. બે બાળકોમાંથી, શ્રીતા રેડ્ડી ધોરણ ૯ માં ભણતી હતી. જ્યારે વિશ્વન રેડ્ડી પાંચમા ધોરણમાં હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે આર્થિક તંગીને કારણે આ પગલું ભર્યું છે. પોલીસે એવી શક્યતા વ્યક્ત કરી છે કે દંપતીએ પહેલા તેમના બાળકોની હત્યા કરી હતી. પછી તેણે આત્મહત્યા કરી. ઘટનાસ્થળેથી મળેલી એક સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. અમારી કારકિર્દીમાં અમને માનસિક અને શારીરિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો. આવી સ્થિતિમાં, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો, તેથી જ અમે અમારા જીવનનો અંત લાવી રહ્યા છીએ. કળપા કરીને અમને માફ કરો.
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રશેખર રેડ્ડી છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા. જેના કારણે તેમના પર આર્થિક સંકટ ઉભું થયું. હાલમાં, પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટના પાછળના વાસ્તવિક સંજોગો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.
દરમિયાન, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને પરિવારના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
