<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ભાગેડુ લલિત મોદીને વધુ એક ઝટકો: વનુઆતૂ સરકારે પાસપોર્ટ રદ કરવાના આદેશ આપ્યા

વનુઆતૂના વડાપ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ નિર્ણય : લલિત મોદીના કૌભાંડ અંગે વનુઆતૂ સરકાર અજાણ હોવાનો દાવો

 

નવી દિલ્હી :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલા લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો

વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેમણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી, એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેમની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે, અહેવાલોમાં જણાવાયું છે કે વનુઆતુના પીએમએ તેમના નાગરિકતા આયોગને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

હજુ સુધી એ જાણી શકાયું નથી કે વનુઆતુએ આ પગલું પોતાની મેળે લીધું છે કે ભારતના હસ્તક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી 1980 માં જ સ્વતંત્રતા મળી. હાલમાં, 83  નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસ્તી ફક્ત ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.

(1:23 PM IST)