News of Monday, 10th March 2025
હોળી પહેલા સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ! :મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર થઈ શકે
જો આ વધારો 7મા પગાર પંચ હેઠળ અમલમાં મુકાય, તો મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધીને 55 ટકા પહોંચી જશે

નવી દિલ્હી :હોળી પહેલા દેશના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર આ અઠવાડિયામાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
અપેક્ષા છે કે, બુધવારના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં આ વધારો મંજૂર કરવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો આ વધારો 7મા પગાર પંચ હેઠળ અમલમાં મુકાય, તો મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધીને 55 ટકા પહોંચી જશે, જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત સાબિત થશે.
NDTV Profitના રિપોર્ટ મુજબ, બે મુખ્ય કર્મચારી સંગઠનોએ જણાવ્યું છે કે, 8મા પગાર પંચની રચના પહેલા DA અને DRમાં 2% વધારો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે, જે સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબર મહિનામાં જાહેર થાય છે અને તેને જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં મૂકવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, ફુગાવાના દરમાં ઘટાડાના કારણે આ વખતે DAમાં વધારો ઓછો થઈ શકે છે. આ વધારો અગાઉના બે સુધારાઓ કરતાં ઓછો હોઈ શકે, કારણ કે માર્ચ 2024માં 4% અને ઓક્ટોબર 2024માં 3% વધારો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2024માં 3% વધારા પછી DA 53% સુધી પહોંચ્યો હતો, અને જો આ વખતનો વધારો 2% થાય, તો DA 55% સુધી પહોંચી જશે.
પાંચમા પગાર પંચ (1996-2006) દરમિયાન, જ્યારે DA 50%થી વધુ થયો, ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવતો હતો. આ નિયમ 2004માં સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ છઠ્ઠા પગાર પંચ (2006-2016) એ તેને રદ્દ કર્યો હતો. સાતમા પગાર પંચે આ નિયમ ફરીથી લાગુ કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકારે તે સમયે તેનો સ્વીકાર કર્યો નહોતો.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
