<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th March 2025

કાશ્મીરથી લઈને દિલ્હી અને મુંબઈ સુધી ઉજવણી :દેશભરમાં ચાહકોએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનો જશ્ન મનાવ્યો : જુઓ વિડિઓ

ભારતીય ટીમની જીત બાદ ફેન્સ સેલિબ્રેશનમાં ઉમટી પડ્યા :દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા: ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે દરેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને સતત બીજી ICC ટુર્નામેન્ટ જીતી છે. રોહિત શર્માની કપ્તાનીમાં 2024માં T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ જીતતાની સાથે જ પ્રશંસકો ઉજવણીમાં ઊતરી ગયા હતા. દુબઈના મેદાનની અંદર ભારતીય ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને ત્યાંથી હજારો કિલોમીટર દૂર કરોડો ભારતીય ચાહકો ટીમ ચેમ્પિયન બનવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.

ભારતે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2002 અને 2013માં આ ટૂર્નામેન્ટ જીતી હતી. 2002 માં, યજમાન શ્રીલંકા અને ભારત સંયુક્ત ચેમ્પિયન બન્યા, કારણ કે ફાઈનલ મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. આ પછી 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. હવે રોહિતની કપ્તાનીમાં ભારતે ત્રીજી વખત ટૂર્નામેન્ટ જીતી છે.

રવિન્દ્ર જાડેજાએ કિવી ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કે પર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાની જીતની સાથે જ ભારતના ચાહકોએ પણ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મોટાપાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ચાહકો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા અને સાથે મળીને ઉજવણી કરી. આ દરમિયાન લોકોએ તેમના મનપસંદ ખેલાડીઓના વખાણ કર્યા હતા. ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા.

  ભારતીય ટીમે એક વર્ષમાં બીજી વખત ICC ટ્રોફી જીતી છે. ગયા વર્ષે જૂન મહિનામાં, ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું અને T20 વર્લ્ડ કપ બે વખત જીતનારી ત્રીજી ટીમ બની હતી. આ પહેલા 2007માં ભારતે T20 વર્લ્ડકપ જીત્યો હતો. ભારત સિવાય વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જ એવી ટીમ છે જેણે બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ખાસ વાત એ છે કે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ ઘણી વખત ICC ટ્રોફી જીતવાની નજીક આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. હવે રોહિતની કપ્તાનીમાં ભારતે એક વર્ષમાં બે ICC ટ્રોફી જીતી છે

 

(11:25 PM IST)