<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

વીજ ટીમ લેણાં વસૂલવા ગામમાં પહોંચી, વીજળી કટ થતાં ગ્રામજનો ભડક્યા : દોડાવી દોડાવીને કર્મચારીઓને માર્યા

શિવપુરીમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ વીજળી વિભાગની ટીમની મારપીટ કરી:ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા બાદ ગ્રામજનોએ પહેલા કર્મચારીઓ અને અધિકારીઓનો પીછો કર્યો અને પછી માર માર્યો

શિવપુરીમાં શનિવારે વીજળી વિભાગના કર્મચારીઓ પર મારપીટનો મામલો સામે આવ્યો છે. વીજળી વિભાગની ટીમ બાકી રકમ વસૂલવા પહોંચી હતી, જે દરમિયાન ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ટીમ પર હુમલો કર્યો અને મારપીટ શરૂ કરી. આ ઘટનામાં એક મહિલા જુનિયર એન્જિનિયર સહિત ઘણા કર્મચારીઓ ઘાયલ થયા છે. 

  બનાવ અંગે વિદ્યુત વિભાગના જેઈ કૈલાશ અહિરવારે જણાવ્યું હતું કે, લોક અદાલતમાં કલમ 135 હેઠળ નોંધાયેલા કેસોમાં બાકી રકમ અંગેની મુક્તિની જાહેરાત કરવા વીજ વિભાગની ટીમ ફતેહપુર વિસ્તારમાં આવેલી માસ્ટર કોલોની પહોંચી હતી. આ દરમિયાન ટીમને ત્યાં ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા. આ અંગે કાર્યવાહી કરીને ટીમે ટ્રાન્સફોર્મરમાંથી ગેરકાયદે રીતે જોડાયેલા વાયરો દૂર કર્યા હતા. આ અંગે ગ્રામજનોએ વિવાદ શરૂ કર્યો હતો.

  ટીમે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરતા ગ્રાહકોના કનેકશન કાપી નાખતાં લોકોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે વિજળી વિભાગની ટીમે વિરોધ કર્યો તો તેઓએ કર્મચારીઓને ધક્કો માર્યો અને મારપીટ શરૂ કરી. આ ઘટનામાં વીજ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે લોકોએ સરકારી વાહનમાં તોડફોડ કરી હતી. જ્યારે ટીમના સભ્યો દરમિયાનગીરી કરવા પહોંચ્યા ત્યારે ભીડે તેમની વાત ન સાંભળી અને ગેરવર્તન કર્યું.

  રોષે ભરાયેલા ટોળાએ કર્મચારીઓનો પીછો કરીને તેમને માર માર્યો હતો. આ પછી તેમના કપડા ફાડી નાખ્યા હતા અને મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં વિભાગના વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોઈક રીતે કેટલાક અધિકારીઓ પોતાનો જીવ બચાવવા સ્થળ પરથી ભાગી ગયા હતા. આ પછી અધિકારીઓએ ઘટનાની જાણકારી આપી

  ઘટના બાદ આસિસ્ટન્ટ એન્જિનિયર કૈલાશ અહિરવાર અને પૂજા વર્માએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કોતવાલી પોલીસે વીજળી વિભાગની ફરિયાદ પર 6 નામના અને કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગ્રામજનોની અરજી સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:07 PM IST)