News of Saturday, 8th March 2025
કટ્ટરતાના કારણે બાંગ્લાદેશમાં મહિલાઓ પર તોળાતું સંકટ
બે જ મહિનામાં દુષ્કર્મના ૮૫ કેસ :વિશ્વ ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ ચિંતાજનક

ઢાકા, તા.૮ :આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં મહિલાઓ સામેની હિંસાના આંકડાએ દેશની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરી છે. આખું વિશ્વ ૮ માર્ચ ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ ચિંતાજનક છે. બાંગ્લાદેશમાં મહિલાઓ સામેની હિંસાના આંકડા વિશે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, જો સમગ્ર સમાજ જાગૃત નહીં થાય તો આ સંકટનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનશે.
ગયા ઓગસ્ટમાં સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ છે. મહિલાઓ સામેના ગુનાઓમાં પણ વધારો નોંધાયો છે. ઢાકા સ્થિત હ્યુમન રાઈટ્સ કલ્ચરલ ફાઉન્ડેશન (MSF)ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી ૨૦૨૫માં મહિલાઓ અને બાળકો સામે હિંસાની ૨૯૫ ઘટનાઓ નોંધાઈ હતી, જે જાન્યુઆરીની સરખામણીમાં વધુ છે.
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇસ્લામિક કટ્ટરપંથી જૂથો, આતંકવાદીઓ અને અન્ય ઉગ્રવાદી તત્ત્વો આવી હિંસક ઘટનાઓમાં ભૂમિકા ભજવે છે, જે મહિલાઓની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. વિવિધ વ્યવસાયોની કુલ ૨૧ મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમને ઘરની બહાર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. ઢાકામાં રહેતી ૧૯થી ૪૮ વર્ષની આ મહિલાઓએ રસ્તા પર સતામણીના અનેક કિસ્સા નોંધ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે અમને ડર હતો કે જો અમે વિરોધ કરીશું તો તે ટોળાનું નિશાન બનીશું.
ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠનના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૫માં દેશમાં ૪૬ મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની હતી. પીડિતોની ઉંમર ૨૨-૧૮ વર્ષથી ઓછી હતી. જયારે જાન્યુઆરી ૨૦૨૫માં આ સંખ્યા ૩૯ હતી, જેમાં ૧૫ સગીરોનો સમાવેશ થાય છે.
વિરોધ પ્રદર્શનમાં વધારો જોવા મળ્યો છે. આ બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે લોકો ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીને જવાબદાર માને છે. આથી તેમના રાજીનામાંની માગ કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવ્યા બાદ મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસાના અનેક મામલા સામે આવ્યા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ મહિલા પરિષદે અગાઉ મહિલાઓ વિરુદ્ધ અપરાધોની વધતી ઘટનાઓની નિંદા કરી હતી અને બાંગ્લાદેશમાં કાયદાના અમલીકરણની અસરકારકતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
