News of Saturday, 8th March 2025
દલિત યુવતીનો ગંદો વિડિયો બનાવી પૈસાથી મોઢુ બંધ કરાવ્યું : ૨ વર્ષ પછી કરી બ્લેકમેઇલ
૨૦૨૩માં ૨૧ વર્ષની દલિત યુવતી પર થયો'તો રેપ

મેરઠ, તા.૮: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક દલિત છોકરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઓગસ્ટ ૨૦૨૩ માં, ૨૧ વર્ષની દલિત છોકરી પર ઉચ્ચ જાતિના એક પુરુષ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જે બાદ મામલો ઉકેલવા માટે પંચાયત બોલાવવામાં આવી હતી. જ્યાં પીડિત પરિવારને ચૂપ રહેવા માટે ૨.૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પછી, પરિવાર બદનામીના ડરથી ગામ છોડી ગયો. જે બાદ મહિલાના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા, જેની માહિતી આરોપીને મળી. આ પછી તેણે ફરીથી આ પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી, આ કેસમાં FIR નોંધવામાં આવી છે.
૨૦૨૩માં પંચાયતમાં સમાધાન થયેલો આ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં, બળાત્કાર પીડિતાનો પરિવાર તે સમયે સામાજિક કલંકથી બચવા માટે બીજી જગ્યાએ રહેવા ગયો હતો. જ્યાં પરિવારે શાંતિથી તેના લગ્નનું સ્થળ નક્કી કર્યું. જ્યારે આરોપીને આ વાતની ખબર પડી, ત્યારે તેણે યુવતીના મંગેતરને જાતીય હુમલાનો વીડિયો મોકલ્યો. જે જોયા પછી લગ્ન રદ થઈ ગયા. મામલો અહીં જ પૂરો થયો નહીં, પરંતુ આરોપીઓએ પરિવાર પાસેથી ૨.૫ લાખ રૂપિયાની માંગણી પણ કરી જે પંચાયતમાં પીડિતાને આપવામાં આવ્યા હતા.
આરોપીઓની ધમકીઓ બાદ, પીડિતાના પિતાએ હાપુડના એસપી કુંવર જ્ઞાનેન્દ્ર સિંહનો સંપર્ક કર્યો. જે બાદ લગભગ બે વર્ષ પછી આ કેસમાં FIR નોંધવામાં આવી. પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી પુત્રી પર બળાત્કાર થયા પછી, પંચાયત બોલાવવામાં આવી હતી જ્યાં તેઓએ અમને મામલો ઉકેલવા માટે બળજબરીથી ૨.૫ લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી અમારો પરિવાર ગામ છોડીને બીજી જગ્યાએ સ્થાયી થયો. તેણે આગળ કહયું, મેં તાજેતરમાં જ મારી પુત્રીના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ આરોપીએ તેના મંગેતરને એક અશ્લીલ વીડિયો મોકલ્યો, જેના પછી મારી પુત્રીના લગ્ન પણ તૂટી ગયા. એસપીને પૂછપરછ કરતા તેમણે પૂછયું, હવે તમે કહો કે અમારે શું કરવું જોઈએ?
પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, આરોપીએ પરિવાર પર પણ હુમલો કર્યો હતો. છોકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે તે પંચાયતને આપેલા પૈસા પાછા લેવા આવ્યો હતો. જેના માટે તેણે ગેરવર્તન કર્યું અને જ્યારે મારી પત્નીએ વિરોધ કર્યો ત્યારે તેણે તેને માર માર્યો. તેણે કહયું કે આરોપીએ તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. હાફિઝપુરના એસએચઓ આશિષ કુમારના જણાવ્યા અનુસાર, આ કેસમાં ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
