<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

યુવકે પોતાના અપહરણની વાર્તા બનાવી અને પિતા પાસેથી ખંડણી માંગી

મધ્‍યપ્રદેશના રેવામાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્‍ડને મળવા માટે પોતાના અપહરણની ખોટી વાર્તા બનાવી : પિતાને વીડિયો કોલ કર્યો : ખંડણી માંગવાનો ડોળ કર્યો અને પછી તેની ગર્લફ્રેન્‍ડના ઘરે છુપાઈ ગયો

રેવા, તા.૭: મધ્‍યપ્રદેશના રીવા જિલ્લાના સિરમૌર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં, ૨૪ વર્ષીય મનીષ મિશ્રાએ પોતાના અપહરણનું બનાવટી કાવતરું ઘડયું જેથી તે તેની ગર્લફ્રેન્‍ડને મળી શકે. પોલીસે તેના મોબાઇલ લોકેશન ટ્રેસ કરીને તેની યુક્‍તિનો પર્દાફાશ કર્યો.

મનીષ મિશ્રા પુણેમાં કામ કરતા હતા. તેઓ ભાગવત કથામાં હાજરી આપવા માટે તેમના ગામ રાજગઢ આવ્‍યા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ, તે મુંબઈ જઈ રહયો છું એમ કહીને ઘરેથી નીકળ્‍યો, પરંતુ તે પછી, તેનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો. પરિવારને કંઈક અજુગતું હોવાની શંકા હતી અને પિતા હરિવંશ મિશ્રાએ સિરમૌર પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

પ્રેમિકાને મળવા આવેલા યુવકની ધરપકડ, પોલીસે ફાંસી લગાવતા પહેલા તેને બચાવ્‍યો

થોડા સમય પછી, મનીષે તેના પિતાને વીડિયો કોલ કર્યો અને કહ્‍યું કે ઇટારસી નજીક અજાણ્‍યા હુમલાખોરોએ તેનું અપહરણ કર્યું છે અને જંગલમાં બંધક બનાવી રાખ્‍યું છે. તેમણે કહ્‍યું કે અપહરણકર્તાઓ ખંડણી માંગી રહયા હતા. ચિંતાતુર પિતાએ તરત જ પોલીસને જાણ કરી.

સાયબર સેલની મદદથી, પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેસ કર્યું, જે સિદ્ધિ જિલ્લાના રામપુર નાઇકિન વિસ્‍તારમાં મળી આવ્‍યું હતું. જ્‍યારે પોલીસ ત્‍યાં પહોંચી ત્‍યારે મનીષ તેની ગર્લફ્રેન્‍ડ સાથે એક ઘરમાં છુપાયેલો મળી આવ્‍યો. પૂછપરછ દરમિયાન, તેણે કબૂલાત કરી કે તેણે તેના અપહરણની ખોટી વાર્તા બનાવી હતી જેથી તે તેની ગર્લફ્રેન્‍ડ સાથે સમય વિતાવી શકે.

આ બાબત અંગે એએસપી અનિલ સોનકરે જણાવ્‍યું હતું કે મનીષે પોતાનું અપહરણનું કાવતરું ઘડયું હતું. પોલીસે તેને કસ્‍ટડીમાં લઈ લીધો છે અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.(૨૩.૬)

(10:35 AM IST)