તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
પૂર્વ કોંગોની હોસ્પિટલમાંથી M23 વિદ્રોહીઓએ કર્યુ ૧૩૦ દર્દીઓનું અપહરણ
આ દર્દીઓ કોંગોની સેના અથવા સરકાર સમર્થિત વઝાલેન્ડો મિલિશિયા સાથે સંકળાયેલા છે

રવાંડા, તા.૬: પૂર્વી કોંગોમાં રવાંડા સમર્થિત એમ૨૩ વિદ્રોહીઓએ એક મોટા શહેરની બે હૉસ્પિટલમાંથી ૧૩૦ દર્દીઓનું અપહરણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીના જણાવ્યા મુજબ, ૨૮ ફેબ્રુઆરીએ એમ૨૩ના વિદ્રોહીઓએ ગોમા શહેરમાં આવેલા CBCN એન્ડોશો હૉસ્પિટલ અને હીલ આફ્રિકા હૉસ્પિટલ પર હુમલો કર્યો હતો. ગોમા એક વ્યૂહાત્મક શહેર છે, જે વિદ્રોહીઓએ આ વર્ષની શરૂઆતમાં કબજે કરી લીધું હતું.
સૂત્રો મુજબ, વિદ્રોહીઓએ CBCN એન્ડોશો હૉસ્પિટલમાંથી ૧૧૬ અને હીલ આફ્રિકા હૉસ્પિટલમાંથી ૧૫ અન્ય દર્દીઓને હિંસક રીતે અપહરણ કરી લઈ ગયા. એમ૨૩ને શંકા હતી કે આ દર્દીઓ કોંગોની સેના અથવા સરકાર સમર્થિત વઝાલેન્ડો મિલિશિયા સાથે સંકળાયેલા છે. પૂર્વી કોંગોમાં એમ૨૩ વિદ્રોહીઓએ વર્ષની શરૂઆતથી જ પોતાનો પ્રભાવ વધારી દીધો છે. તેઓએ અનેક મુખ્ય શહેરો પર કબજો કર્યો છે અને તાજેતરના સંઘર્ષમાં લગભગ ૩,૦૦૦ લોકોની હત્યા કરી છે, જે છેલ્લા એક દાયકાની સૌથી મોટી હિંસાત્મક ઘટનાઓમાંની એક છે.
માત્ર ત્રણ અઠવાડિયામાં, એમ૨૩ વિદ્રોહીઓએ પૂર્વી કોંગોના મુખ્ય શહેર ગોમા અને બીજું સૌથી મોટું શહેર બુકાવુ કબજે કરી લીધું છે. આ વિસ્તાર વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતું છે, કારણ કે અહીં સોના અને કોલ્ટન જેવી કિંમતી ખનિજો મળી આવે છે. કોલ્ટન એ એક મુખ્ય ખનિજ છે જે લૅપટોપ અને સ્માર્ટફોન જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા કેપેસિટર બનાવવા માટે વપરાય છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિદ્રોહીઓને પાડોશી દેશ રવાંડા તરફથી લગભગ ૪,૦૦૦ સૈનિકોનો ટેકો મળી રહયો છે. અમુક વખત એમ૨૩ના વિદ્રોહીઓએ ૧,૬૦૦ કિલોમીટર દૂર કોગોની રાજધાની કિનશાસા સુધી યાત્રા કરવાની ધમકી પણ આપી છે. રવાંડાએ કોંગો પર આરોપ લગાવ્યો છે કે તે ૧૯૯૪માં રવાંડામાં થયેલા તુત્સી અને ઉદારવાદી હૂતુ જાતિના નરસંહાર માટે જવાબદાર જાતીય હૂતુ વિદ્રોહીઓને શરણ આપી રહયું છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
