તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 28th February 2025
પાકિસ્તાનમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મધાતીએ કર્યો બોમ્બ બ્લાસ્ટ: 16 લોકોના મોત
પાકિસ્તાનના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતીએ વિસ્ફોટ કર્યો; જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S)ના વડા મૌલાના હમીદુલ હક હક્કાની માર્યા ગયા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અખોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં આજે શુક્રવારની નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 16 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S)ના વડા મૌલાના હમીદુલ હક હક્કાની પણ માર્યા ગયા હતા. તે ભૂતપૂર્વ JUI-S વડા અને ‘ફાધર ઑફ તાલિબાન’ તરીકે ઓળખાતા મૌલાના સમીઉલ હક હક્કાનીનો પુત્ર હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૌલાના હમીદુલ હક હક્કાની નમાજ દરમિયાન મસ્જિદની આગળની હરોળમાં બેઠા હતા, જે સાબિત કરે છે કે મૌલાના હમીદુલ હક હક્કાની આ હુમલાખોરોના મુખ્ય નિશાન હતા. વિસ્ફોટ બાદ તરત જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઝુલ્ફીકાર હમીદે પુષ્ટિ કરી કે, દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો અને તેનું લક્ષ્ય મૌલાના હમીદુલ હક હતા. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસા કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા માટે ઓળખાય છે અને તાલિબાન નેતાઓ માટે શિક્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
મૌલાના હમીદુલ હક પણ સાંસદ રહી ચૂક્યા છે. 2018 માં તેના પિતા મૌલાના સમીઉલ હકની હત્યા પછી, તે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-સામી (JUI-S) ના વડા બન્યા. તેમના પિતા મૌલાના સમીઉલ હકને તાલિબાનના પિતા કહેવામાં આવતા હતા અને તેઓ અફઘાન તાલિબાનના કટ્ટર સમર્થક હતા.
1947 માં સ્થપાયેલ, દારુલ ઉલૂમ હક્કાનિયા એ પાકિસ્તાનની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મીશનરીઓમાંની એક છે. તેની સ્થાપના મૌલાના સમીઉલ હકના પિતા મૌલાના અબ્દુલ હક હક્કાનીએ કરી હતી. જો કે આ મદરેસાના ઈતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2007માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના કેટલાક શંકાસ્પદોના આ મદરેસાની સાથે સંબંધ હોવાનું કહેવાય છે, પરંતુ મદરેસા વહીવટીતંત્રે આવા આરોપોને નકારી કાઢ્યા હતા.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
