<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

વિશ્વ હિન્દુ પરિષદે મંદિર મુક્તિ આંદોલનનો શંખનાદ કર્યો

બેઠકમાં ઉપસ્થિત દેશ વિદેશના ૯૫૦ પ્રતિનિધિઓએ મળીને એક મોટી રણનીતિ પણ બનાવી

મહાકુંભ નગર: મહાકુંભના સેક્ટર-૧૮ ઓલ્ડ જીટી રોડ, ઝૂસી ખાતે વિશ્વ હિન્દુ પરિષદે શિબિરમાં ચાલી રહેલ ત્રણ દિવસીય કેન્દ્રીય પ્રબંધ સમિતિ તેમજ પ્રન્યાસી મંડળની બેઠકમાં મંદિર મુક્તિ આંદોલનનો શંખનાદ કર્યો. વિશ્વ હિન્દુ પરિષદે સંકલ્પ લીધો છે કે, હવે કોઈપણ પરિસ્થિતિમાં મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્તિ અપાવી નેજ રહીશું. 

   બેઠકમાં ઉપસ્થિત દેશ વિદેશના ૯૫૦ પ્રતિનિધિઓએ મળીને એક મોટી રણનીતિ પણ બનાવી છે. વિશ્વ હિન્દુ પરિષદના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, મંદિર મુક્તિ આંદોલનના પ્રથમ તબક્કામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અન્ય હિન્દુ સંગઠનો સાથે  મળીને દરેક રાજ્યના મુખ્યમંત્રીને જ્ઞાપન આપીને માગણી કરશે કે, સરકારે હિન્દુ મંદિરોને પાછા હિન્દુ સમાજને સોંપે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં મોટી જનસભાઓ કરી આ સંબંધમાં પોતાની માગણી બુલંદ કરશે.

   આંદોલનના બીજા તબક્કામાં દરેક રાજ્યની રાજધાની તથા મહાનગરોમાં જ્યા બુધ્ધિજીવી સમાજની સભાઓ કરી તેને માટે જનસમર્થન મેળવશે. જે રાજ્યોમાં આ સમસ્યા વધુ વિકટ છે, ત્યાં આગામી વિધાનસભા સત્ર દરમિયાન કાર્યકર્તા વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને મળીને ત્યાંના રાજનીતિક પક્ષો પર મંદિરોની મુક્તિને માટે દબાણ બનાવશે. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષે કહ્યું, બેઠકમાં તેના પર પણ સહમતિ બની કે, મંદિરોને પોતાના નિયમિત કામકાજના સંચાલનને માટે વધુમાં વધુ સ્વતંત્રતા હોવી જોઈએ.

   તસ્વીરમાં વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં આયોજિત કેન્દ્રીય પ્રબંધ સમિતિ તેમજ પ્રન્યાસી મંડળની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર નજરે પડે છે

 

(9:52 PM IST)