<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કેજરીવાલ, સિસોદીયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, અવધ ઓઝા સહિતના આપના દિગ્‍ગજ નેતાઓની હાર

આતિશીએ આપની લાજ બચાવી : દિલ્‍હીમાં આપના સુપડા સાફ

નવી દિલ્‍હી, તા.૮: દિલ્‍હી વિધાનસભા ચૂંટણી માટે સવારે ૮ વાગ્‍યાથી મતગણતરી ચાલુ છે. આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્‍હી બેઠક પરથી હારી ગયા છે. મનીષ સિસોદિયાને જંગપુરા બેઠક પરથી પણ હારનો સામનો કરવો પડયો છે. આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. વલણો અને ચૂંટણી પંચના ડેટા અનુસાર, ભાજપને બહુમતી મળતી દેખાય છે.

આમ આદમી પાર્ટીને અહીં મોટો ઝટકો લાગ્‍યો છે. પૂર્વ મુખ્‍યમંત્રી અને આપ ઉમેદવાર અરવિંદ કેજરીવાલ નવી દિલ્‍હી બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માનો વિજય થયો છે. કોંગ્રેસે આ બેઠક પરથી સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા હતા.

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે ૨૦૧૩ ની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વખત આ બેઠકનું પ્રતિનિધિત્‍વ કરનાર સ્‍વર્ગસ્‍થ ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને દિલ્‍હીમાં સત્તા કબજે કરી હતી. તેમણે સતત ત્રણ વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્‍વ કર્યું.

કાલકાજી બેઠક પરથી AAP ઉમેદવાર આતિશીએ ચૂંટણી જીતી લીધી છે. તેમણે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીને હરાવ્‍યા છે. તમને જણાવી દઈએ કે કાલકાજી બેઠક સૌથી વધુ ચર્ચિત બેઠકોમાંની એક છે. આ વખતે આમ આદમી પાર્ટીએ કાલકાજી બેઠક પરથી મુખ્‍યમંત્રી આતિશીને ટિકિટ આપી. જ્‍યારે કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્‍ય અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચહેરાઓને કારણે, કાલકાજી બેઠક ફરી એકવાર હોટ સીટ બની ગઈ છે. જ્‍યારે ભાજપે અહીંથી રમેશ બિધુરીને ટિકિટ આપી. કાલકા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવેલા બિધુરી પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે.

AAPના દિગ્‍ગજ નેતા સત્‍યેન્‍દ્ર જૈન પણ શકુર બસ્‍તીથી ચૂંટણી હારી રહયા છે. તેઓ ભાજપના કરનૈલ સિંહથી ૧૫,૦૦૦ મતોથી પાછળ છે. વઝીરપુરથી આપના રાજેશ ગુપ્‍તા ભાજપના પૂનમ શર્મા સામે હારી રહયા છે. સત્‍યેન્‍દ્ર જૈન મની લોન્‍ડરિંગ કેસમાં જેલમાં ગયા હતા. તે જ સમયે, AAP નેતા સોમનાથ ભારતી પણ ચૂંટણી હારી રહયા હોય તેવું લાગે છે.

જંગપુરા બેઠક પરથી AAP ઉમેદવાર મનીષ સિસોદિયા હારી ગયા છે. અહીંથી ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ જીત્‍યા છે. હાર બાદ આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્‍તારના ઉમેદવાર મનીષ સિસોદિયાએ કહયું, ‘‘જંગપુરાના લોકોએ અમને ઘણો પ્રેમ આપ્‍યો પણ અમે લગભગ ૬૦૦ મતોથી પાછળ રહી ગયા. અમે જીતેલા ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ. અમને આશા છે કે તેઓ જંગપુરાના લોકોની સમસ્‍યાઓનું નિરાકરણ લાવશે.''

કરાવલ નગર બેઠક પર ૧૭ રાઉન્‍ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના કપિલ મિશ્રા અહીંથી આગળ ચાલી રહ્‍યા છે. આમ આદમી પાર્ટીના મનોજ ત્‍યાગી પાછળ રહી ગયા છે. કપિલ મિશ્રાને ૯૦૯૪૮ અને મનોજ ત્‍યાગીને ૪૬૧૦૧ મત મળ્‍યા.

ભાજપના અવધ ઓઝા પટપડગંજ બેઠક હારી ગયા છે. અહીં ભાજપના રવિન્‍દ્ર સિંહ નેગી જીત્‍યા છે. હાર્યા બાદ, પટપડગંજ વિધાનસભા બેઠકના AAP  ઉમેદવાર અવધ ઓઝાએ કહ્‍યું, ‘‘હું જનતાનો આભાર માનું છું. હું બીજા સ્‍થાને આવ્‍યો છું, આગલી વખતે હું મારી જાતને ટોચ પર લાવવાનો પ્રયાસ કરીશ. ભૂલ એ હતી કે હું બધાને મળી શક્‍યો નહીં, કદાચ મને આ માટે પૂરતો સમય મળ્‍યો ન હતો, પરંતુ તેમ છતાં હું આ હાર માટે વ્‍યક્‍તિગત જવાબદારી લઉં છું.‘‘ દિલ્‍હી સરકારમાં વર્તમાન કેબિનેટ મંત્રી ઇમરાન હુસૈન બલ્લીમારન બેઠક પરથી જીત્‍યા છે. તેમણે ભાજપના ઉમેદવાર કમલ બાગડીને હરાવ્‍યા છે. ઇમરાન હુસૈન સરકારમાં મંત્રી હોવાને કારણે આ બેઠક પણ હોટ સીટ બની ગઈ છે. હારૂન યુસુફ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં છે. હારૂન યુસુફ અગાઉ દિલ્‍હી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્‍યા છે. તેથી, બધાની નજર આ બેઠકના પરિણામ પર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૌરભ ભારદ્વાજ હારી ગયા છે. ભાજપના શિખા રાયે તેમને હરાવ્‍યા છે.

(3:48 PM IST)