News of Wednesday, 29th January 2025
‘અફેર'ને કારણે DNA Test કરવાનો આદેશ આપી શકાય નહીં
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો કેરળના યુવકની અરજીને સર્વોચ્ચ અદાલતે શા માટે ફગાવી

નવી દિલ્હી, તા.૨૯: છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. માતાના લગ્નેત્તર સંબંધથી જન્મેલા અને હાલમાં ૨૩ વર્ષીય યુવકે કોર્ટમાં તેના જૈવિક પિતાને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી. યુવકે કોર્ટને જણાવ્યું હતું કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેણે ઘણી સર્જરી કરાવવી પડી છે, જેનો ખર્ચ હવે તેની માતા ઉઠાવી શકે તેમ નથી. તેથી તેણે તેના જૈવિક પિતા પાસેથી ભરણપોષણની માગ કરી છે.
આ કેસ કેરળનો છે. યુવકની માતાએ ૧૯૮૯માં લગ્ન કર્યા હતા. ૧૯૯૧માં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો અને યુવકનો જન્મ ૨૦૦૧માં થયો હતો. ૨૦૦૩માં માતાએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને ૨૦૦૬માં તેણે ડિવોર્સ લીધા હતા. ત્યારબાદ મહિલાએ કોચી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેના પુત્રના બર્થ સર્ટિફિકેટમાં પિતાનું નામ બદલવાની અરજી કરી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ કોર્ટનો આદેશ માગ્યો હતો. ૨૦૦૭માં સ્થાનિક કોર્ટે તેના કથિત જૈવિક પિતાને ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમણે આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ૨૦૦૮માં હાઇકોર્ટે આ આદેશને ઉલટાવી દીધો હતો અને જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટ ત્યારે જ થઈ શકે કે જો એ સાબિત થાય કે બાળકના જન્મ સમયે પતિ પત્ની વચ્ચે કોઈ સંપર્ક ન હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્નની કાયદેસરતા અને પિતળત્વ એ બે સંબંધિત વસ્તુઓ છે. બાળક જો માન્ય લગ્ન બાદ જન્મે છે તો તેના જૈવિક પિતા કોણ છે તે સાબિત કરવા માટે ડીએનએ જેવા કોઈ પરીક્ષણની જરૂર નથી હોતી. ભારતીય કાનૂન મુજબ માન્ય લગ્ન દરમિયાન અથવા વૈવાહિક જીવન સમાપ્ત થયાના ૨૮૦ દિવસની અંદર જન્મેલા બાળકને પતિનું જ કાયદેસરનું બાળક માનવામાં આવે છે. આ કલમને કારણે બાળકની કાયદેસરતા અને પિતળત્વ અંગેના કોઈપણ વિવાદને ટાળી શકાય છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
