<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

પ્રેમને પામવા 'સવિતા' લિંગ પરિવર્તન કરાવીને 'લલિત' બની :પોલીસે પકડ્યા તો બોલી- 'અમે સાથે રહેવા માંગીએ છીએ'

પૂજાના સગપણ માટે તેના પિતા મુરતિયા શોધતા તેણે ભણવા જવાનું કહીને ઘર છોડીને લલિત ઉર્ફે સવિતા પાસે મથુરા પહોંચી;બન્ને પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા:મોબાઈલ લોકેશન ટ્રેસ કરતી જયપુર પોલીસ મથુરા પહોંચી

મથુરામાં બહેનપણી સાથે પ્રેમ થઈ જતાં એક યુવતી પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને પુરુષ બની ગઈ હતી. જે બાદ બન્ને જણાએ ભાગીને આર્ય સમાજના મંદિરમાં લગ્ન પણ કરી લીધા અને પછી પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા. જો કે એક યુવતીના પરિવારજનો દ્વારા તેના ગુમ થવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને બન્નેને પકડી પાડતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનના ભરતપુરમાં રહેતી સવિતાસિંહ 2021માં કોચિંગ માટે જયપુરમાં ભાડે રહેતી હતી. આ સમયે તેની ઓળખાળ મકાન માલિકની દીકરી પૂજા સાથે થઈ હતી. બન્ને એકબીજા સાથે વાત કરતા-કરતા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા હતા. જે બાદ બન્નેએ એકસાથે જિંદગી વીતાવવાનો નિર્ણય કરી લીધો હતો.

 

જો કે બન્ને યુવતીઓ હોવાથી સમાજ તેમના સમલૈગિંક સબંધનો ક્યારેય સ્વીકાર નહીં કરે તેવું લાગતા સવિતાએ પોતાના પ્રેમને પામવા માટે જેન્ડર ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવવાનો નિર્ણય લીધો હતો. જેના ભાગરૂપે સવિતા 31 મે, 2022ના રોજ ઈન્દોર પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પોતાનું લિંગ પરિવર્તન કરાવીને સવિતા સિંહમાંથી લલિતસિંહ બની ગઈ હતી. ગત નવેમ્બર 2024ના રોજ સવિતા ઉર્ફે લલિત અને પૂજાએ આર્ય સમાજના મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા.

બીજી તરફ પૂજાના પિતા તેના સગપણ માટે સમાજમાં સારા મુરતિયા શોધવા લાગ્યા હતા. આ બાબતની જાણ થતાં પૂજા અને સવિતા ઉર્ફે લલિત ગભરાઈ ગયા હતા. જેથી ગત 10 જાન્યુઆરીએ પૂજાએ પોતાના પરિવારના સભ્યોને ભણવા જવાનું કહીને ઘરેથી ભાગી ગઈ હતી અને પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો.

પરિવારજનો દ્વારા પૂજાની ભારે શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ ભાળ ના મળતા આખરે તેમણે 14 જાન્યુઆરીના રોજ પોલીસ મથકમાં પૂજાના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં તે મથુરામાં હોવાનું સામે આવ્યું હતુ. આથી પોલીસે ત્યાં પહોંચીને તપાસ હાથ ધરતાં પૂજા અને સવિતા ઉર્ફે લલિત પતિત-પત્ની તરીકે રહતા હતા. જેથી પોલીસ પૂજાને જયપુર લઈને આવી હતી.હવે પૂજાને કોર્ટમાં હાજર કરીને તેનો જવાબ લેવામાં આવશે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(7:45 PM IST)