<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

અદાણીને ઝટકો: મોટી પાવર ડીલ રદ્દ, ગ્રૂપની અનેક કંપનીઓના શેર તૂટ્યા. : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રીન એનર્જીનો શેર દિવસના ઉચ્ચ સ્તરથી લગભગ 6% ઘટીને રૂ. 1009ની નીચી સપાટીએ પહોંચ્યો હતો

શ્રીલંકાના અગ્રણી બિઝનેસ અખબાર ડેઈલી એફટીના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વમાં કેબિનેટે અદાણી જૂથને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી તા.૨૪  : ગૌતમ અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, શ્રીલંકાએ ગ્રૂપ કંપની- અદાણી ગ્રીન એનર્જી સાથે $440 મિલિયનનો પાવર ખરીદીનો સોદો રદ કર્યો છે. તે જ સમયે, આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમાચાર વચ્ચે શુક્રવારે અદાણી ગ્રુપની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

મામલો શું છે

હકીકતમાં, શ્રીલંકાના અગ્રણી બિઝનેસ અખબાર ડેઈલી એફટીના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વમાં કેબિનેટે અદાણી જૂથને મોટો ઝટકો આપ્યો છે. કેબિનેટે અદાણી ગ્રીન એનર્જી એસએલ લિમિટેડને મન્નાર અને પૂનારીનમાં પવન ઉર્જા પ્લાન્ટના બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ સાથે વીજ ખરીદ કરાર રદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્તમાન રાષ્ટ્રપતિએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આ સોદો રદ કરવાનો અને શ્રીલંકામાં પવન ઉર્જા વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડરો આમંત્રિત કરવાનું વચન આપ્યું હતું. આ વચન પર કામ કરતાં કેબિનેટે મે 2024માં લેવાયેલા અગાઉના કેબિનેટ નિર્ણયને રદ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકામાં લાગેલા આરોપોની થઈ અસર

સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોને ટાંકીને બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ગૌતમ અદાણી સહિતના વરિષ્ઠ જૂથ અધિકારીઓ સામે યુએસમાં ભ્રષ્ટાચારના આરોપોએ શ્રીલંકાની નવી સરકારને પગલાં લેવાની પ્રેરણા આપી છે. અમેરિકામાં આરોપો પછી, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ અદાણીના સ્થાનિક પ્રોજેક્ટ્સની તપાસ શરૂ કરી.

અદાણી ગ્રીન એનર્જીનો શેર

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રીન એનર્જીનો શેર દિવસના ઉચ્ચ સ્તરથી લગભગ 6% ઘટીને રૂ. 1009ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

(4:55 PM IST)