<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

રિટર્ન ટિકિટના અભાવે અમેરિકામાં ભારતીયોને એરપોર્ટ પરથી પરત મોકલાયા : રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં શપથ લેતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં રહેતા ભારતીયોના માતા-પિતાને એરપોર્ટ પરથી પરત કરવામાં આવ્યા છે અને તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી

ન્યુજર્સી તા.૨૪ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે ખૂબ જ કડક છે અને તેના કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હલચલ વધી છે. ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો વચ્ચે અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય પણ ચિંતિત છે. દરમિયાન, અમેરિકાના એક એરપોર્ટ પરથી ભારતીયોને પ્રવેશ નકારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા એક વ્યક્તિના ભારતીય માતા-પિતાને રિટર્ન ટિકિટના અભાવે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

એક મીડિયાના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં પોતાના બાળકોને મળવા ગયેલા ભારતીય માતા-પિતાને નેવાર્ક એરપોર્ટ પર એન્ટ્રી આપવામાં આવી ન હતી. અહેવાલમાં જણાવાયું છે કે દંપતી પાસે B-1/B-2 વિઝિટર વિઝા હતા અને તેના આધારે તેઓએ પાંચ મહિના અમેરિકામાં રહેવાની યોજના બનાવી હતી. જો કે, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કહ્યું કે નવા નિયમો હેઠળ હવે અહીં રહેવા માટે તેમની રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. એરપોર્ટના અધિકારીઓએ તમામ અરજીઓ અને ખુલાસાઓને નકારી કાઢ્યા હતા અને માતાપિતાને એરપોર્ટથી સીધા ભારત પાછા મોકલી દીધા હતા.

અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો 

આવા નિયમોની સત્તાવાર જાહેરાતના અભાવે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. અમેરિકી અધિકારીઓએ ભારતીયોને પરત મોકલવા માટે 2025ના નવા નિયમોને ટાંક્યા છે. જો કે, આ ફેરફારો વિશે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આવી ઘટના અમેરિકામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધુ વધારો કરી શકે છે. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે ટ્રમ્પની નીતિઓને લાગુ કરવા માટે અમેરિકા આવનારા દિવસોમાં આવા અનેક અણધાર્યા પગલાં લઈ શકે છે

500થી વધુ લોકોની કરવામાં આવી ધરપકડ 

અમેરિકામાં 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ અંગેની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનું કહેવું છે કે ધરપકડ કરાયેલા 538 લોકોમાંથી સેંકડો લોકો એવા છે જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેઓને મિલિટરી એરક્રાફ્ટમાં બેસાડીને બહાર છોડવામાં આવ્યા હતા.

(4:50 PM IST)